Clipart ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત ગ્રામ સેવા કેન્દ્ર ભલાડા. તા. માતર જી.ખેડા. બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.

અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ભલાડાનું ૧૯૭૭-૭૮ માં સ્વ.તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ એ મકાનનું ખાતમુરત કર્યું.

સુવિચાર : સારી રીતે જીવી જાણે તે સાચો કલાકાર છે - ગાંધીજી.....સાચું બોલવાની પણ એક રીત હોય છે, તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ ....... માતાનું હ્રદયએ બાળકની પાઠશાળા છે..... મુશ્કેલીઓનો સામનો કરવો તેનું નામ જીદગી..... વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી..... પોતાના દોસને પોતાની પહેલા મરવા દો.....પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે......મનુષ્ય ને બોલવાનું સીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ સીખતા આખી જિંદગી વીતી જાય છે…...... મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર.....જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.–ડબલ્યુ એમ. ઈવાર્ટસ......બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.–ચાણક્ય......પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. –વેન્ડેલ ફિલિપ્સ......હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.–સ્વામી વિવેકાનંદ.......બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.–ડેલ કાર્નેગી.......સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.–ખલીલ જિબ્રાન........કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.-જે. કૃષ્ણમૂર્તિ...... જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી......... આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે. –ચાણક્ય.........જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? –બબાભાઈ પટેલ...........પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ. –રવીન્દ્રનાથ ટાગોર.......... જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો. –ગુરુ નાનક............ માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે. –ઉમાશંકર જોશી.......... કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. –હરીન્દ્ર દવે.......... જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. –ડૉંગરે મહારાજ......... ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે. –થોમસ પેઈન........... ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ? –રવીન્દ્રનાથ ટાગોર......... હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે. –આલબર્ટ આઈન્સ્ટાઈન......... જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી. –શ્રીમદ્ રાજચંદ્ર.......... આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે. –લાઈટૉન............. દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે. –ફાધર વાલેસ........... આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી. –સંત તુલસીદાસ........... બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે. –વિનોબાજી........... વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે. –શ્રી મોટા........... જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ? –શેખ સાદી........... મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ? –ગોનેજ........... આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે. –સ્વેટ માર્ડન........... જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે. –ધૂમકેતુ........... કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે. –ગોલ્ડ સ્મિથ........... ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે. –પ્રેમચંદ........... દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી. –રવીન્દ્રનાથ........... ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે. –રહીમ........... ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ. –ગાંધીજી........... જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ. –કાંતિલાલ કાલાણી........... મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. –મધર ટેરેસા........... માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. –ફાધર વાલેસ........... મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. –રવીન્દ્રનાથ ટાગોર........... તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું ! –રાજેશ વ્યાસ ‘મિસ્કીન’........... જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે. –એડવિંગ ફોલિપ........... કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. –મોરારજી દેસાઈ........... હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો. –ચાલટેન હેસ્ટન........... માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે. –ડૉ. રાઘાકૃષ્ણન........... વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. –વિલિયમ જેમ્સ........... દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. –લોકમાન્ય ટિળક........... દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. –ધૂમકેતુ........... આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે. –જોન ફ્લેયર........... જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે. –શંકરાચાર્ય........... જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. –શ્રીમદ્ રાજચંદ્ર........... ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ? –કવિ કાલિદાસ........... જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી. –આરિફશા........... એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં. –શરત્ચંદ્ર........... સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે. –કવિ કલાપી........... એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય. –લોવેલ........... સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી. –ચાણક્ય........... આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે. –અર્લ વિલ્સન........... જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ. –ખલિલ જિબ્રાન........... જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે. –લૂઈ જિન્સબર્ગ........... આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો. –જનરલ એબ્રગોન........... ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ. –સરદાર પટેલ........... જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે. –જેરેમી ટેસર...........

Sunday, 15 April 2012

બાળવાર્તા

                                 જાદુઇ કોથળો.              

                ઘણા જૂના સમયની આ વાત છે. તે વખતે અત્યારની જેમ વાહન-વ્યવહારની સગવડો ન હતી. માણસો પગપાળા કે પશુઓ ઉપર બેસીને મુસાફરી કરતા હતા. અત્યારે છે તેટલાં શહેરો પણ વસેલાં ન હતાં. માણસો નાનાં-નાનાં ગામડાંઓમાં રહેતાં હતાં.

                               વખતપુર નામનું એક નાનકડું ગામ હતું. તે ગામના રાજાનું નામ વખતસિંહ હતું. તે સમયે બાજુબાજુમાં નાનાં-નાનાં રાજ્યો હતાં અને દરેક રાજ્યના જુદાજુદા રાજા હતા. તે વખતના રાજાઓ પોતાની હદમાંથી બીજા રાજ્યની હદમાં દહીં, દૂધ, ઘી જેવી વસ્તુઓ જવા દેતા નહીં. વખતપુર ગામમાં વખતચંદ નામે એક વેપારી રહેતો હતો. તે સમયના વેપારી ખાસ દુકાન જેવું રાખતા ન હતા અને એક કોથળામાં જુદી-જુદી વસ્તુઓ ભરીને લઈ જતા અને આજુબાજુનાં ગામોમાં જઈને વેચતા હતા. આ રીતે વેપારી માલ વેચવા જાય, તેને ‘કોથળે ગામ જવા નીકળ્યો’ એમ કહેવાતું હતું.

વખતચંદ પોતાની સાથે કોથળામાં સૂંઠ, મરી, લસણ, ખાંડ અને બીજી પરચૂરણ વસ્તુઓ ભરીને બાજુનાં મનપુર અને ધનપુર ગામે વેચવા નીકળ્યો. તે મનપુર ગામથી વેપાર કરીને ધનપુર ગામે પહોંચ્યો, ત્યારે સાંજ પડી ગઈ હતી. તેથી ત્યાંથી આગળ જવાનું તેણે માંડી વાળ્યું, કારણ કે રાતના સમયે રસ્તામાં ચોર, લૂંટારાની બીક રહેતી હતી. વખતચંદે મનપુર અને ધનપુર ગામે વેપાર કરીને તેના બદલામાં બધા પાસેથી ઘી લીધું હતું. તે વખતે વસ્તુના બદલામાં વસ્તુ આપવાનું ચલણ હતું. પૈસાની લેવડદેવડ બહુ જ ઓછી થતી હતી. વળી, વખતચંદને પોતાની દીકરી માટે ઘીની જરૂર હતી, એટલે તેણે બધેથી ઘી જ લીધું હતું. આ ઘી તેણે એક પવાલીમાં ભરીને તેને ઢાંકણાથી ઢાંક્યું હતું. તે ગામની બહાર આવેલી ધર્મશાળામાં ગયો. બીજે દિવસે ત્યાંથી એક ગાઉ દૂર આવેલા ગૌતમપુર ગામે જવાનું તેણે નક્કી કર્યું. તે ગામ મોટું હતું, તેથી ત્યાં ઘરાકી મળશે એવો તેને વિશ્વાસ હતો. તેણે ધર્મશાળાના રખેવાળ પાસે ભોજન તૈયાર કરાવ્યું ને જમ્યો. પછી થોડી વાર તેની સાથે તેણે વાતો કરી. શિયાળાનો સમય હતો, ઠંડીનું પ્રમાણ ઠીક-ઠીક હતું, એટલે થોડી વાર તાપણું કરીને તાપ્યું ને પછી તે સૂઈ ગયો.

                               મોડી રાતે એક બિલાડી ખોરાકની શોધમાં ભટકતી-ભટકતી વખતચંદ સૂતો હતો ત્યાં આવી. તેણે આજુબાજુ નજર ફેરવી તો વખતચંદે મૂકેલો કોથળો તેની નજરે ચડ્યો. બિલાડી તો પોતાના આગલા પગના પંજા વડે કોથળાનું મોં પહોળું કરીને કોથળામાં પેસી ગઈ. બહાર ઠંડી ઘણી હતી. અહીં તેને ઠંડી સામે હૂંફ મળી એટલે ભૂખી હતી, છતાં તે કોથળાની અંદર પડી રહી. પરોઢિયું થયું ત્યાં તો બિલાડીની ઊંઘ ઊડી ગઈ. ઊડી જ જાયને ? આટલી રાતે તેને કશું ખાવાનું મળ્યું ન હતું. ઠંડીમાં ઠૂંઠવાઈને તે કોથળામાં સૂઈ રહી હતી. પરંતુ હવે બિલાડીના પેટમાં બિલાડાં બોલવા માંડ્યાં હતાં. બિલાડી કોથળામાં સળવળી ત્યાં તો કોથળામાંથી ઘીની મીઠી સુગંધ તેના નાક સુધી આવી. આમેય બિલાડીને ઘી તો ખૂબ જ ભાવે. તેણે પોતાની આંખો બરાબર ખોલીને કોથળામાં જોયું, તો પિત્તળનાં ત્રણ વાસણ હતાં. તેણે એક વાસણ ઉઘાડીને જોયું તો પવાલીમાં ઘી નજરે ચડ્યું. બીજાં વાસણોમાં પણ ઘી ભર્યું હતું, પરંતુ બિલાડી તો જે પહેલાં નજરે ચડ્યું તે ઘી ચપચપ ખાવા માંડી. તેને તો ખૂબ મજા પડી ગઈ. થોડી વારમાં તો તે ઘણું ઘી ખાઈ ગઈ. પછી કોથળામાં જ સૂઈ ગઈ.

                                    સવાર પડ્યું ત્યાં વખતચંદ જાગ્યો અને પ્રાતઃકર્મ પતાવ્યું અને કોથળો ખભે નાખી ચાલવા જતો હતો, ત્યાં તો ધનપુરના રાજાનો એક સેવક તે ધર્મશાળામાં આવ્યો. તે દરરોજ વહેલી સવારમાં ધર્મશાળાએ આવતો અને જે કોઈ માણસ ધનપુરથી બહારગામ જતો હોય, તેની પાસેનો સામાન તપાસતો અને જો તે માણસ પાસેથી કોઈ મનાઈ કરી હોય તેવી વસ્તુ નીકળે, તો તેને રાજા પાસે લઈ જતો. રાજા આવી રીતે પોતાના ગામમાંથી ખાવાની વસ્તુ કે મનાઈ કરી હોય તેવી વસ્તુ બહારગામ લઈ જનારને શિક્ષા કરતો. રાજસેવકે વખતચંદને રસ્તામાં જ અટકાવ્યો અને પૂછ્યું :

‘કોથળામાં શું ભર્યું છે ? ચાલ, બતાવ.’

વખતચંદ મૂંઝાયો. તેને થયું કે, મરાયા. જેવો આ રાજસેવક કોથળામાંના વાસણમાં ઘી જોશે કે, તરત જ મને તો જેલભેગો કરશે. તેણે રાજસેવકને ગરીબડા અવાજે કહ્યું, ‘હું તો વેપાર કરવા નીકળ્યો છું. કોથળામાં મારા વેપારની વસ્તુઓ છે. બીજું કશું નથી.’

                                    ‘મારે કશું સાંભળવું નથી. કોથળો ખોલીને મને બતાવ.’ રાજસેવકે કડકાઈથી કહ્યું. વખતચંદ વધુ મૂંઝાયો ને જરા અચકાયો, એટલે રાજસેવકે ઉતાવળા થઈને કોથળાનું મોઢું ઉઘાડ્યું.

હવે પેલી બિલાડી આખી રાત કોથળામાં રહીરહીને ખૂબ મૂંઝાઈ હતી અને કેવી રીતે બહાર નીકળવું તેના જ વિચારમાં હતી, ત્યાં તો અચાનક કોથળાનું મોઢું ખૂલ્યું. બિલાડી તો ક્ષણનો પણ વિલંબ કર્યા વગર, કોથળામાંથી બહાર કૂદી અને મ્યાઉં-મ્યાઉં બોલતી ઝડપથી નાઠી અને રાજસેવકની પાસેથી જ પસાર થઈ ગઈ. પેલો રાજસેવક બિલાડી પોતાના આડી ઊતરે તેને અપશુકન માનતો હતો, એટલે તેણે તો તરત જ કોથળામાં જોવાનું માંડી વાળ્યું અને કોથળો નીચે મૂકીને વખતચંદને પૂછ્યું :

‘આ શું કર્યું ? તેં તો કોથળામાંથી બિલાડું કાઢ્યું ! તું કોથળામાં બિલાડાં રાખીને ફરે છે ? જા, જા, જલદી ચાલતો થા. મને તો તેં અપશુકન કરાવ્યાં. હવે સવારમાં બીજા કોઈને અપશુકન કરાવતો નહીં.’ આમ કહીને રાજસેવક ચાલતો થયો.

                                    કોથળામાંથી બિલાડુ નીકળવાની વખતચંદને નવાઈ લાગી કે, પોતાના કોથળામાં બિલાડું ક્યાંથી આવી ગયું, પરંતુ ત્યાં રાહ જોવા કે વિચાર કરવા ઊભા રહેવાથી કદાચ મુશ્કેલી થાય, તેથી તે કશું પણ બોલ્યા વગર પોતાનો કોથળો ઉપાડીને ત્યાંથી જલદી-જલદી પોતાના ગામ તરફ ચાલતો થયો. તેણે પોતાના મનમાં તે બિલાડીનો ખૂબ-ખૂબ આભાર માન્યો, કારણ કે બિલાડીના કારણે જ પોતે સજામાંથી બચી ગયો અને પોતાનું ઘી પણ સલામત રહ્યું.


ભોળો કબુતર : 

                          એક શિકારી વહેલી સવારે રોજ ખભે થેલો લટકાવી પક્ષીઓને પકડવા જંગલ તરફ નીકળતો હતો. કાબર-ચકલી જેવાં નાનાં, નાજુક અને રંગબેરંગી સુંદર લાગતાં પક્ષીઓને જાળમાં ફસાવી પાંજરામાં પૂરી નજીકના શહેરમાં જઈ વેચી નાખતો હતો. આવી રીતે એ રોજ સવારથી સાંજ જંગલમાં ઘૂમ્યા કરતો હતો.

                           એક વખત ઠંડીની મોસમમાં એ વહેલી સવારે જંગલ તરફ જવા નીકળી પડ્યો, આજે જંગલ સૂમસામ લાગતું હતું. એ ચારેતરફ નજર દોડાવતો ફરતો રહ્યો, પણ એકે પક્ષી તેની જાળમાં ફસાયું નહીં. એ દૂરદૂર એક જંગલથી બીજા જંગલ તરફ પક્ષીઓની શોધમાં નીકળી પડ્યો. સાંજ ઢળવા આવી. ચોમેર અંધારું થવા લાગ્યું. ત્યારે તેને ભાન થયું કે પોતે ઘણો જ દૂર આવી ગયો છે. પોતાના ઘર સુધી પાછો પહોંચી શકે તેમ નહોતો. ભૂખ અને ચિંતાથી તેનું મન ગમગીન થઈ ગયું. ‘હવે શું કરું, ક્યાંય આશરો પણ મળે તેમ નથી.’ એટલે કમને નાછૂટકે એ મોટા ઘટાદાર વૃક્ષ નીચે થેલો મૂકીને થાક્યો-પાક્યો આરામ કરવા બેસી ગયો.

ઠંડીના દિવસો હોવાથી અંધારું થતાં જ ઠંડી હવા સુસવાટા મારતી ચોમેર પ્રસરવા લાગી. વાતાવરણમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધવા લાગ્યું. જોકે, શિકારી કંઈ રાત રોકાવાની તૈયારી કરીને આવ્યો નહોતો એટલે તેની પાસે કપડાં કે ખાવા-પીવાનું કંઈ નહોતું. તેની ચિંતામાં ખિસ્સામાંથી માચીસ કાઢી બીડી સળગાવી એમ ને એમ સૂનમૂન બેસી રહ્યો, પણ ઠંડી કહે મારું કામ. જંગલ આખામાં ઠંડીનું જોર ધીરે ધીરે વધવા લાગ્યું. જોતજોતામાં શિકારીનું આખું શરીર ઠંડા પવનના કારણે ધ્રૂજવા લાગ્યું. તેના દાંત કડકડ બોલવા લાગ્યા.

જે વૃક્ષ નીચે શિકારી બેઠો હતો તેની ઉપરની ડાળ પર એક કબૂતર ને કબૂતરીનો માળો હતો. ક્યારનાં એ શિકારીની દયનીય હાલત જોઈ રહ્યાં હતા. શિકારીની આવી દુર્દશા જોઈ કબૂતરે પોતાની કબૂતરીને કહ્યું :

‘આ શિકારી રોજ આપણાં સુંદર પક્ષીઓને પકડીને લઈ જાય છે એટલે એ આપણો મિત્ર નથી, શત્રુ છે.’

તેની વાત સાંભળી કબૂતરીએ દયામણા સ્વરે કબૂતરને સમજાવતાં કહ્યું : ‘પણ આજ એ આપણા આશરે આવ્યો છે. એ આપણા આંગણાનો અતિથિ છે. એટલે તેને શત્રુ ન માનતા. તેને થોડીઘણી મદદ કરવી જોઈએ. તેની હાલત જો કેવી દયાને પાત્ર છે ? સેવા કરવી એ આપણો પરમધર્મ છે એવું આપણે મંદિરના કાંગરે અને ચબૂતરે બેસીને ધાર્મિક કથાઓ સાંભળીએ છીએ ને ! હજી તો રાતની શરૂઆત થઈ છે. ઠંડીનું જોર ખૂબ જ વધશે. એ જો આખી રાત આમ ને આમ પડ્યો રહેશે તો આવી કડકડતી ઠંડીમાં થીજી જશે. આપણને તેનું પાપ લાગશે તો ?’

                       કબૂતરે ઘૂઘૂઘૂ કરી કબૂતરીને કહ્યું : ‘તારી વાત તો સાવ સાચી છે, પણ આપણે માણસને શું મદદ કરી શકીએ ?’

                                ‘હા… એ તો છે.’ એમ કહી કબૂતર અને કબૂતરી વિચાર કરવા લાગ્યાં. થોડી વાર પછી કબૂતરી બોલી, ‘શિકારી પાસે માચીસ તો છે…. આપણે ઘાસ, રૂ અને તણખલાંનો બનાવેલ માળો નીચે ફેંકી દઈએ તો ? વળી આ વૃક્ષનાં પીળાં પાંદડાં, નાની-નાની ડાળખીઓ ચાંચથી તોડીને નીચે ફેંકતા જઈએ ! કદાચ એ તાપણું કરશે તો તેનો જીવ બચી જશે.’ સમજુ કબૂતરીની વાત કબૂતરને સાચી લાગી, એટલે બેઉએ મળી પોતાનો માળો ઉખેડી શિકારીના પગ તરફ ફેંકી દીધો.

શિકારી ઝોલે ચડ્યો હતો. એ એકદમ મોટા અવાજથી ઝબકી ગયો. તેણે જોયું એક મોટું પોટલાં જેવું કંઈક તેના પગ પાસે પડ્યું. આ શું ? તેણે ત્વરિત ઉપર નજર કરી. જોયું તો છેક ઉપરની ડાળ ઉપર પંખીના ફફડવાનો અવાજ આવ્યો. થોડી વારમાં પાછાં પાંદડાં અને ડાળખીઓ એક પછી એક નીચે પડવા લાગ્યાં. શિકારી સળગાવેલ બીડી વૃક્ષના થડ પાસે મૂકીને ઊભો થઈ ગયો. ઉપર કોઈ માણસ કે જાનવર તો નથી ને તેમ વિચારી આખા વૃક્ષની આસપાસ આંટા મારવા લાગ્યો. કબૂતરી ક્યારની નીચે જોતી હતી. તેણે વિસ્મયથી કબૂતરને પૂછ્યું, ‘આ માણસ તાપણું કેમ નથી કરતો ? તેની પાસે માચીસ તો છે.’ પળભર વિચાર કરી કબૂતર ઊડીને નીચે આવ્યું. શિકારી હજી થોડો દૂર ફરતો હતો. એટલે ઝડપથી કબૂતરે થડ પાસે પડેલી સળગતી બીડી પોતાની ચાંચથી બીજા છેડેથી ઉપાડી અને પોતે ફેંકેલાં માળા અને પાંદડાં પર ફેંકી દીધી. પાછું શિકારી પાસે આવે એ પહેલાં તો ઊડીને ઉપરની ડાળ પર કબૂતરી પાસે બેસી ગયું. તે જોઈ કબૂતરી ખુશ થઈ ગઈ. સૂકું ઘાસ, પાંદડાં અને રૂને કારણે નીચે તાપણું થઈ ગયું. શિકારી થરથર ધ્રૂજતો દોડીને તાપણા પાસે પહોંચી ગયો. હાશ, તેને ખૂબ સારું લાગ્યું. તેને પેલાં અજાણ્યાં પક્ષી પર માન ઊપજ્યું, જેણે પોતાનો માળો, પાંદડાં નીચે ફેંક્યાં હતાં. પોતાના હાથ-પગને શેક મળતાં તેના જીવમાં જીવ આવ્યો, પણ હવે તેને કકડીને ભૂખ લાગી હતી. સવારથી આખા જંગલમાં ભટકી ભટકીને એ ખૂબ થાકી ગયો હતો. થોડો નાસ્તો હતો એ તો બપોરના સમયે પોતે ખાઈ ગયો હતો. અત્યારે પેટ સાવ ખાલી હતું. અહીં જંગલમાં ખાવું શું ? અંધારામાં એ ચારેબાજુ નજર ફેરવતો રહ્યો. ભૂખના માર્યા એને કંઈ સૂઝતું નહોતું. તેનાથી નિઃસાસો નખાઈ ગયો. તાપણું ઓલવાઈ ન જાય તે માટે ઊભા થઈ આજુબાજુમાંથી લાકડાં, ખપાટિયાં તાપણામાં નાખતાં નાખતાં જોરથી આળસ મરડી ઉપર આકાશ તરફ જોઈ મોટા અવાજે એ બબડ્યો…. ‘હે ભગવાન, કકડીને ભૂખ લાગી છે. આ ઘોર જંગલમાં ક્યાં હું ફસાઈ ગયો ? ક્યાં જાઉં ? શું કરું ?’

                          શિકારીનો અવાજ સાંભળી કબૂતરે કબૂતરી સામે જોયું.

                         ‘બિચારાને ખૂબ ભૂખ લાગી છે, જોયું ? આપણે તાપણું તો કર્યું પણ ખાવાનું ક્યાંથી લાવીએ ?’

કબૂતરી પણ નિરાશ થઈને બોલી, ‘આપણા આંગણે આવેલ અતિથિ તો સાક્ષાત ઈશ્વરનું રૂપ ગણાય. જેના ઘરેથી અતિથિ ભૂખ્યો જાય તેનાં પુણ્ય ખતમ થઈ જાય. ખબર છે ? એકવાર પેલા સાધુ મહારાજ મંદિરમાં આવું કહેતાં હતાં.’

                    ‘હા, પણ આપણે હવે શું કરીએ ? એ બુદ્ધુ અહીં સુધી આવ્યો, પણ હજી એક ફર્લાંગ આગળ ચાલ્યો હોત તો ગામ ઘણું નજીક હતું. આપણે રોજ ત્યાં સવાર-સાંજ પાસેના મંદિરમાં ચબૂતરો છે ત્યાં ખાઈ-પીને આવીએ છીએ ને….. ?’

                       એ પણ સાચું.’ કબૂતરી બોલી. બેઉ જણ કેટલીક વાર સુધી ચૂપચાપ વિચારવા લાગ્યાં અને બેઉ નિરાશ થઈ ગયાં. ઘણોબધો સમય પસાર થઈ ગયો ને અચાનક કબૂતરીને કંઈક સૂઝ્યું. એણે કબૂતર પાસે ઘૂઘૂઘૂ કરી કાન પાસે જઈ કહ્યું : ‘અરે આ વિશાળ વડના વૃક્ષમાં જો કેટલા બધા ટેટા લટકે છે ? આપણે થોડા કાચા-પાકા જોઈ નીચે ફેંકવા માંડીએ તો ?’ કબૂતર તેની કબૂતરી પર વારી ગયો. બેઉ ખુશ થઈ ગયાં અને એક પછી એક ટેટા કાચા-પાકા જોઈ જોઈને ચાંચથી તોડી નીચે ફેંકવા લાગ્યાં.

તાપણાનાં આછાં અજવાળામાં શિકારીએ જોયું. અરે… આ તો વડના ટેટા ઉપરથી નીચે એક પછી એક પડતા હતા. ટેટા ઉપાડી નીરખીને જોયું. પોતાની ધોતીથી લૂછી મોઢામાં મૂક્યા. ‘આ તો સરસ લાગે છે. હે ભગવાન, તારી લીલા અપરંપાર છે’, કહી ભૂખ્યા શિકારીએ એક પછી એક ટેટાને લઈ મોઢામાં ઓરવા માંડ્યા. પંદર-વીસ ટેટા એ ખાઈ ગયો. પેટ થોડું ભરાઈ જતાં તેના જીવમાં જીવ આવ્યો. તેણે ‘ઉપરવાળાની મહેરબાની’ કહી બે હાથ જોડી ઊંચે જોયું. અંધારામાં પક્ષીની પાંખનો ફડફડાટનો અવાજ આવતો હતો અને ટેટા હજી ઉપરથી પડતા હતા. એ વિચારમાં પડી ગયો. ‘શું પક્ષીઓ જ ભગવાન બની મારી મદદે આવ્યાં હશે ? આજ તો હું ઠંડીમાં ઠૂંઠવાઈને ભૂખ્યો જ મરી ગયો હોત. શું પક્ષીઓમાં પણ આવી સમજણ હોતી હશે ? ક્યા પક્ષી હશે આ ? અંધારામાં પૂરું દેખાતું નથી. જે હોય તે, મારા માટે તો ભગવાન છે.’ પોતે રોજ જાતજાતનાં પક્ષીઓને પકડીને પાંજરે પૂરી દે છે તેનો તેને મનોમન પસ્તાવો થવા લાગ્યો. આખી રાત એ પોતાનાં પાપકર્મોનો વિચાર કરી દુઃખી થવા લાગ્યો. વહેલી સવારે થોડું અજવાળું થતાં જ તે ઊભો થયો. તેણે પ્રેમાળ નજરે વૃક્ષ ઉપર જોયું તો એક કબૂતર અને કબૂતરી ડાળ પર ઝૂલતાં અને ગેલ કરતાં હતાં. તેના ચહેરા પર અસીમ સંતોષ અને મહેમાનગતિ કર્યાનો આનંદ વર્તાતો હતો.

                                    ‘અરે આ તો કબૂતર ને કબૂતરી છે.’ તેને નવાઈ લાગી. આજુબાજુમાં અન્ય પક્ષીઓનો કલરવ આહલાદક લાગતો હતો. શિકારીનું મન આ દશ્ય જોઈ તદ્દન બદલાઈ ગયું. એકાએક મક્કમ નિર્ણય સાથે ઊભા થઈને તેણે પોતાનું પાંજરું અને જાળને દૂરદૂર જંગલની ખીણમાં ફેંકી દીધાં. નિર્મળ ભાવે પ્રાર્થના કરી બે હાથ કબૂતર અને કબૂતરી સામે ઊંચા કરી અહોભાવથી મનોમન પ્રતિજ્ઞા લીધી કે આજથી હું કોઈ મૂગાં, અસહાય પશુ-પક્ષીઓને પકડીને કોઈ અધમ કૃત્ય નહીં કરું. તેમને પાંજરે પૂરી બજારમાં વેચી, પાપનો ભાગીદાર નહીં બનું. હું ખૂબ મહેનત-મજૂરી કરી મારું ને મારા કુટુંબનું પેટ ભરીશ, પણ આવું પાપ નહીં કરું.


પોથી પંડિત :


ત્રણ હતા દોસ્તો. ત્રણે બ્રાહ્મણ હતા. ભણવા-ગણવા માટે તેઓ કાશી ગયા. કાશીમાં ગંગાજીના કિનારા પર એક મસ્ત મોટા પંડિતની પાઠશાળા હતી. પંડિતજી વ્યાકરણના ખાં હતા. એક બ્રાહ્મણ એમની પાઠશાળામાં ભણવા રહ્યો. બીજો બ્રાહ્મણ બીજા પંડિતને ત્યાં રહ્યો. એ પંડિત તર્કશાસ્ત્રી હતો. તર્કમાં એમને કોઈ ન પહોંચે. જીવતા જાગતા માણસને એ હાડમાંસનું ખાલી પિંજર સાબિત કરી આપે એવું ભારે એમના તર્કનું જોર હતું. ત્રીજો બ્રાહ્મણ એક કવિને ત્યાં રહ્યો. કવિ ખરેખર કવિ હતો. જ્યાં બીજાને કેવળ ચાંદની દેખાય ત્યાં એને સ્વર્ગનું અમૃતસરોવર દેખાય અને એ સરોવરમાં એ ડબકડૈયાં ખાય !

ત્રણે બ્રાહ્મણો ગુરુને ત્યાં રહી ચોટલી બાંધીને ભણ્યા-ભણીને જબરા મોટા પંડિત થયા- એક થયો વ્યાકરણ-પંડિત, બીજો થયો તર્ક-પંડિત અને ત્રીજો થયો કાવ્ય-પંડિત. આ ત્રણે ભણીને ઘેર આવ્યા. આખા ગામે એમનું સામૈયું કર્યું. પંડિતો કહે : ‘વાહ ! આવું જ અમારું સ્વાગત થવું જોઈએ. અમે એને લાયક છીએ !’ આમ બોલી ત્રણેએ ગર્વમાં પોતાની ચોટલીઓ હવામાં ઉછાળી. આખી સભાએ પંડિતોનો જયજયકાર કર્યો. હવે ગામમાં પંડિતોની ભારે બોલબાલા હતી. પંડિતો ગામમાં ફરવા નીકળે તો રસ્તે જતું લોક એમને જોવા ઊભું રહી જાય. એમની સાથે વાત કરતાં ભલભલાની કસોટી થઈ જાય.

વ્યાકરણ પંડિતની સાથે તમે વાત કરવા માંડો કે તરત એ તમારી ભાષામાં વ્યાકરણની ભૂલો કાઢ્યા વિના રહે જ નહિ; તમારી કહેવાની વાત તો બાજુએ જ રહી જાય, ને તમારી ભાષાની તથા ઉચ્ચારની શુદ્ધિ ઉપર તમારે લાંબુલસ ભાષણ સાંભળવું પડે. તમે છટકવાનું કરો તે ચાલે જ નહિ – પંડિત છટકવા દે તો ને ? તમારે ભૂલ કબૂલ કરવી પડે ને સુધારી બતાવવી પડે. પછી વિજયના ગર્વથી ફુલાતા પંડિત આગળ ચાલવા માંડે- તમે તેમને રોકવા મથી કહો કે પંડિતજી, હું આપને પૂછવા આવેલો કે આજે અગિયારસના દિવસે બાફેલાં રીંગણાં ખવાય કે નહિ ? તો એનો જવાબ તમને નહિ મળવાનો. પણ પંડિતજી ભવાં ચડાવીને તમને કહેવાના કે અગિયારસ નહિ, ‘એકાદશી’ કહો ! આવું જ બને તર્ક-પંડિતની મુલાકાતમાં. પેલી એક પંડિતની વાત છે ને કે પંડિતે પવાલામાં તેલ લીધું, પણ પછી એમને શંકા થઈ કે ‘પાત્રાધારે તૈલ કે તૈલાધારે પાત્ર ? પવાલાના આધારે તેલ છે કે તેલના આધારે પવાલું છે.’ અને શંકાનું સમાધાન કરવા એમણે પાત્રને ઊંધું વાળીને જોયું. તેલ બધું જમીન પર ઢોળાઈ ગયું ! આ તૈલાધારે પાત્રવાળા પંડિતજીના વંશમાં જ આપણા વિદ્વાન પંડિતજી જન્મેલા હતા, ને તેમના જેટલી જ ખ્યાતિ તેમણે પ્રાપ્ત કરી હતી.

કાવ્યપંડિતનો હસતો ચહેરો, ફરફરતી ચોટલી, વિશાળ ભાલમાં રમતું ત્રિપુંડ અને ઉઘાડા ડિલ પર લટકતો ખેસ જોઈને તમે આભા બની જઈ કહેશો કે હં…. આનું નામ કવિ ! આનું નામ કાવ્યપંડિત ! એ બોલવા માંડે ત્યારે વાણીનો એવો ધોધ વછૂટે કે તમે એમાં તણાઈ જાઓ ને સૂધબૂધ ભૂલી જાઓ; તમે એ વાણીનું શૃંગ કે પુચ્છ કંઈ જ સમજી ન શકો, પણ અહોહો ! અહોહો ! કરી તમે આંખો ફાડી જોઈ રહો ! કવિ કહે : ‘એવી વાત છે બંદાની ! હું એવી ઊંચી વાતો કરું છું કે તમે કશું સમજી જ શકતા નથી !’ આમ આ પંડિતો બહુ આત્મસંતોષથી ને આનંદગર્વથી રહેતા હતા.

એક વાર એક ભૂખે મરતો માણસ વ્યાકરણ-પંડિતના ઘર આગળ આવી ઊભો. પંડિતજી બારણામાં જ ઊભા હતા. ભિખારીએ હાથ લાંબો કરીને કહ્યું : ‘મહારાજ, ચાર દિવસનો ભૂખ્યો છું. કંઈ ખાવાનું આપો !’

પંડિતે કહ્યું : ‘કેમ રે, શાની તૃષ્ણા છે તને ?’ ભિખારી કંઈ સમજ્યો નહિ. તે પોતાનું ભૂખ્યું પેટ દેખાડી બોલ્યો :

‘આ…આ… ખાલી છે. ભૂખ્યો છું… ચાર દિવસનો ભૂખ્યો છું.’

પંડિતે કહ્યું : ‘હં, ઉદર ભરવું છે તારે ? ક્ષુધા પીડે છે તને ? અરે, તું કેવળ મૂઢ જણાય છે ! ઉદર અને ક્ષુધા જેવા સરળ શબ્દોનું યે તું ઉચ્ચારણ નથી કરી શકતો !’ ભિખારી પેટનો ખાડો દેખાડી કંઈ કહેવા જતો હતો ત્યાં પંડિતે કહ્યું : ‘હં, એ ઉદર – બોલ, ઉદર.’

ભિખારી બોલ્યો : ‘ઉંદર ! સો ઉંદર પોઢી જાય એવી મારા પેટમાં બખોલ પડી છે, બાપજી, હવે કંઈ દયા કરો તો સારું !’

પંડિતે કહ્યું : ‘હું ‘ઉદર’ કહું છું ત્યારે તું ‘ઉંદર’ કહે છે ! કેવો મૂર્ખ છે ! અસલ મહામૂર્ખ છે !’ ભિખારીએ મોં પહોળું કરી હાથનો ખાલી કોળિયો દેખાડી કહ્યું, ‘ભૂખ-ભૂખ-ભૂખ્યો છું, ભૂખે મરું છું…’

પંડિતે કહ્યું : ‘ભૂખ નહિ, ક્ષુધા ! બોલ, ક્ષુધા !’

ભિખારીએ કહ્યું : ‘ખુધા ! ખુધા !’

પંડિતે ચિડાઈને કહ્યું : ‘ખુધા નહિ, ક્ષુધા !’

ભિખારી હવે કંટાળ્યો હતો, પણ કંઈ કરતાં યે બટકું રોટલો મળે એ આશાએ તે બોલ્યો : ‘આપ ખુધા કહો તો ખુધા, ખધા કહો તો ખધા, ને ગધા કહો તો ગધા ! આપ જે નામે કહો તે નામે હું આપને બોલાવવા તૈયાર છું, પણ મને બટકું રોટલો આપો. ભૂખે મારો જીવ જાય છે, બાપા !’

પંડિતે કહ્યું : ‘તો ઉદર ઉદર અને ક્ષુધા ક્ષુધા કરી શું કરવા તારો અવતાર ધૂળ કરે છે ! વ્યાકરણનો પાઠ કર- શબ્દશક્તિનું સેવન કર ! શબ્દ તો કામધેનુ છે કામધેનુ ! જરી સમજ !’ ભિખારી હવે નિરાશ થઈ ગયો હતો. તે બોલ્યો : ‘ભૂખ !’

પંડિતે કહ્યું : ‘ક્ષુધા શી ચીજ છે શબ્દની આગળ ? શબ્દમાં શક્તિ છે, શબ્દમાં સામર્થ્ય છે, શબ્દમાં પ્રાણ છે, શબ્દમાં જીવન છે ! માટે તું શબ્દનું સેવન કર ! શબ્દનું સ્તવન કર ! શબ્દનું ભજન કર !’ ભિખારી નિસાસો નાંખી પાછો ફરી ગયો. તેની પાછળ વ્યાકરણ પંડિતે કહ્યું : ‘જોયું ? મારા શબ્દોથી એના અંતરનાં પડળ ઊઘડી ગયાં ! એ ભીખ માગવાનું ભૂલી ગયો – હવે એ ‘ઉંદર ઉંદર’ અને ‘ખુધા ખુધા’ નથી બોલતો ! કેવો જાદુ છે મારી વાણીમાં ! કેવી શક્તિ છે મારા શબ્દોમાં !’

ભિખારી હવે આગળ ચાલ્યો ને બીજા પંડિત- તર્ક પંડિતના ઘર આગળ જઈને ઊભો. તર્ક-પંડિત તે વખતે માથા પર વિશાળ ચકરી પાઘડી દાબતા ઘરમાંથી બહાર નીકળતા હતા, ત્યાં આ ભિખારીએ તેમની સામે જોઈ કહ્યું : ‘મહારાજ ! ભૂખની પીડાથી હું મરું છું. દયા કરો !’

તર્ક-પંડિતે કહ્યું : ‘દયા કરવાનું કહેવાનો અધિકાર તને કોણે આપ્યો ? અલ્યા, તું મને દયા કરવાનું કહેનાર કોણ ? ક્યા અધિકારથી તું એ શબ્દો બોલ્યો ?’ ભિખારી કંઈ સમજ્યો નહિ. તે બોલ્યો, ‘મહારાજ, ભૂખે મરું છું.’

તરત પંડિતે કહ્યું : ‘તું ભૂખે મરે છે એની સાબિતી શી ?’

ભિખારીએ પેટનો ખાડો દેખાડી કહ્યું : ‘આ પેટ !’

તર્ક-પંડિતે કહ્યું : ‘તારા પેટનો એ ખાડો ભૂખથી જ પડ્યો છે એની ખાતરી શી ?’

ભિખારી ગભરાઈને બોલ્યો : ‘ભૂખથી જ આ ખાડો પડ્યો છે, બાપા ! ભૂખ વગર ખાડો પડે કેવી રીતે ?’

તર્ક-પંડિતે કહ્યું : ‘તું પ્રાણાયામ કરી શ્વાસ ખેંચી પેટમાં ખાડો પાડતો હોય તો ?’

ભિખારીએ કહ્યું : ‘ના, બાપજી, ના ! પાનારામ બાનારામને હું ઓળખતો નથી. તેઓ ક્યાં રહે છે ને શું કરે છે તેયે હું જાણતો નથી. હું તો કેવળ ભૂખે મરું છું ! ચાર દિવસથી મેં કશું ખાધું નથી !’

તર્ક-પંડિતે કહ્યું : ‘શું કહ્યું ? ચાર દિવસથી તેં કશું ખાધું નથી ? તો શું આ ખાડો ચાર દિવસનો ખાડો છે ? મને એ વિષે પૂરેપૂરી શંકા છે !’

ભિખારીએ કહ્યું : ‘બાપજી, હું સાચું કહું છું, મારા પર વિશ્વાસ રાખો !’

પંડિતે કહ્યું : ‘એટલે ? ન્યાયસૂત્રના રચયિતાને મૂકી હું તારા શબ્દો પર વિશ્વાસ રાખું ? હું એવો મૂર્ખ નથી તો ! હું તો બે ને બે ચાર થાય એમ ગણી જોઉં તો જ માનું ! અનુમાન પર હું આધાર રાખતો નથી. તું ચાર દિવસનો ભૂખ્યો છે એવું તારા શબ્દોથી સાબિત થતું નથી, કારણ કે તારો શબ્દ પ્રમાણ નથી; વળી પ્રત્યક્ષ પ્રમાણથી પણ એ સાબિત થતું નથી, કારણ કે તારું પેટ જોઈને હું તને છ દિવસનો ભૂખ્યો પણ કહી શકું છું. તું કહે છે કે હું ભૂખ્યો છું અને ચાર દિવસનો ભૂખ્યો છું; પણ એ વાતનો કોઈ સાક્ષી નથી. તું ભૂખ્યો છે તે ખરેખર ભૂખ્યો જ છે, વળી તું ક્યારથી ભૂખ્યો છે અને શા માટે ભૂખ્યો છે એ કહેનારો કોઈ સાક્ષી હોવો અત્યંત આવશ્યક છે. તને ભૂખ લાગી છે એમ અનુમાનની ખાતર માની લઈએ તોપણ ભૂખ લાગી છે તો ક્યાં લાગી છે, શું કરતાં લાગી છે, લાગી જ છે તો હજી લાગેલી છે કે હોલવાઈ ગઈ છે, એના લાગવાથી શું પરિણામ આવવાનો સંભવ છે, એ બધા પ્રશ્નોનું સમાધાન પહેલાં થવું જોઈએ. તને ભૂખ લાગવાનું મને તો કોઈ ન્યાયપુરઃસરનું વાજબી કારણ દેખાતું નથી. તારા હાથ આખેઆખા છે, મોં પણ હેમખેમ છે, પેટ પણ હયાત છે અને છતાં તું કહે છે કે મેં ખાધું નથી. આ બધું એક સમસ્યા જેવું લાગે છે. તું આખેઆખો છે, તાજોમાજો છે, તો તારું આહારતંત્ર બંધ થઈ ગયું કેવી રીતે ? માટે ભૂખની સામેની તારી આ ફરિયાદ પહેલાં સાબિત કર ! તે પછી જ એ વિષે કંઈ થઈ શકે.’

ભિખારીએ કહ્યું : ‘અરે મહારાજ, હું ભૂખ્યો છું ને ભૂખે મરું છું, એમાં વળી સાબિત શું કરવાનું ?’

પંડિતે કહ્યું : ‘તું કોઈ દિવસ પંડિતોની સભામાં ગયો નથી લાગતો. આ તો ગહન બાબત છે; ભાઈ, તારા જેવા બાળકનું એ સમજવાનું ગજું નહિ !’ ભિખારી હવે કંટાળી ગયો હતો. તેણે નિસાસો નાખી ત્યાંથી ચાલવા માંડ્યું. તેની પાછળ તર્ક-પંડિતે કહ્યું : ‘બાપડો પામર જીવ છે ! મને એની દયા આવે છે ! પણ એ કશું જ સાબિત કરી શકતો નથી એટલે હું એને મદદ પણ કેવી રીતે કરી શકું ?’

ભિખારી હવે ત્રીજા પંડિતના ઘર આગળ જઈને ઊભો. કાવ્યપંડિત બારણામાં જ ઊભા હતા અને એક હાથમાં ‘રઘુવંશ’ અને બીજા હાથમાં ‘કાવ્ય-કલશ’ ગ્રંથ રાખી મોટેથી કવિતા લલકારતા હતા, ને કાવ્યના અલંકારોની એકલા એકલા ચર્ચા કરતા હતા. ભિખારીએ ત્યાં આવી કહ્યું :

‘મહારાજ ! ઓ મોટા મહારાજ !’

કેટલી બૂમો પાડી ત્યારે કવિના કાને એના શબ્દો ગયા. તેમણે કહ્યું : ‘કેમ રે, તું કયા અલંકારમાં વાત કરે છે ?’ બાપડો ભિખારી આ સાંભળી સડક જ થઈ ગયો. તે બોલ્યો :

‘બાપજી, મને ભૂખ લાગી છે !’

કવિએ કહ્યું : ‘ભૂખ લાગી છે એટલે કે તું અન્નરસનો અભાવ અનુભવે છે, એમને ! પણ રે, તું મૂર્ખ લાગે છે !’ આભો બની ભિખારી કવિની સામે જોઈ રહ્યો.

કવિએ કહ્યું : ‘તું ખાલી અન્નરસની પાછળ માર્યો માર્યો ફરે છે, તેથી તારું કંઈ કલ્યાણ થવાનું નથી. તારે જો તારું કલ્યાણ કરવું હોય, તારે જો તારા આત્માનો ઉદ્ધાર કરવો હોય તો કાવ્યરસનું સેવન કર ! કવિતારસનું પાન કર ! એ રસનું જે પાન કરે છે તેના આઠે કોઠે અજવાળું થઈ જાય છે, તેની આધિ, વ્યાધિ, ઉપાધિ ટળી જાય છે, તે મૃત્યુલોકનો જીવ મટી દિવ્યલોકનો જીવ બની જાય છે !’

ભિખારી બોલ્યો : ‘ભૂખથી મારો જીવ જાય છે, મહારાજ ! દયા કરો ! હું બહુ દુઃખી છું !’

કવિએ કહ્યું : ‘તે તું શા માટે દુઃખી થાય છે, મૂઢ ? જો, પ્રચુર કાવ્યરસનો સાગર અહીં ઊછળી રહ્યો છે. તું એમાં ડૂબકી માર ! કાવ્યરસ પી ને મસ્ત બન. તારી આધિ, વ્યાધિ, ઉપાધિ બધી ચાલી જશે, ને તું સુખિયો જીવ બની જશે ! દેખ આ ‘રઘુવંશ’ કવિકુલગુરુ કાલિદાસે કેવું સુંદર કાવ્ય સરજ્યું છે ! એક એક શબ્દ…’ ભિખારી કશું સમજ્યો નહિ, ભૂખથી હવે તેને ચક્કર આવતાં હતાં. તે ત્યાંથી આગળ વધ્યો. તેને જતો જોઈ કવિ બોલી ઊઠ્યા : ‘મૂઢ ! મહામૂઢ ! કવિ કાલિદાસની વાણીમાં એ સમજે શું ? રે પ્રભુ ! આવાનો ઉદ્ધાર કેમ થશે ?’

ત્રણે જગાએથી નિરાશ થઈને ભિખારી આગળ વધ્યો. હવે તે એક ઘર આગળ આવી ઊભો. બીતાં બીતાં તેણે બૂમ મારી : ‘બાપજી, ચાર દિવસનો ભૂખ્યો છું, ભૂખે જીવ જાય છે.’ ઘરવાળા ભાઈ પ્રભુભક્ત હતા. તે વખતે નાહીને પૂજાપાઠ કરી દેવદર્શને જવા ઘરમાંથી બહાર નીકળતા હતા. તેમના કાને ભિખારીના આ શબ્દો પડ્યા : ‘ચાર દિવસનો ભૂખ્યો છું, ભૂખે જીવ જાય છે !’ તરત એમના પગ થંભી ગયા, એમણે ભિખારીને હાથનો ઈશારો કરી થોભવા કહ્યું ને પછી પોતે ઘરમાં પાછા ફર્યા. થોડી વારમાં ભોજનની પતરાળી લઈને તે પાછા આવ્યા. ભિખારી તો અન્ન જોઈ જાણે ગાંડો જ બની ગયો. જેવી ભક્તે પતરાળી તેની સામે મૂકી, કે તે લાંબો થઈને ભક્તના પગમાં આળોટી પડ્યો, ને ‘મારા ભગવાન ! મારા ભગવાન !’ પોકારવા લાગ્યો. પછી પતરાળીનેય તે પગે લાગ્યો, ને એને પણ ‘મારા ભગવાન ! મારા ભગવાન !!’ કહેવા લાગ્યો.

ભક્તે કહ્યું : ‘ભાઈ, હવે તું શાંતિથી જમી લે !’

આટલા શબ્દો સાંભળતાં તો ભિખારીની આંખોમાંથી ટપટપ આંસુ પડવા માંડ્યાં. ભક્ત સમજી ગયા કે આ માણસ બહુ દુઃખી છે, તેથી તેને આશ્વાસન આપવા તેમણે કહ્યું : ‘ભાઈ, સુખદુઃખની ઘટમાળ ગોળગોળ ફર્યા કરે છે. આજે સુખ, તો કાલે દુઃખ ! આજે દુઃખ તો કાલે સુખ !’

ભિખારીએ રોતાં રોતાં કહ્યું : ‘ભગતજી, માણસ આવો નિર્દય કેવી રીતે થઈ શકતો હશે ?’ ભક્તને લાગ્યું કે ભિખારીની વાત સાંભળવા જેવી છે, એટલે એમણે કહ્યું : ‘શાથી આવું કહેવું પડે છે ?’

ભિખારીએ કહ્યું : ‘હું ચાર દિવસનો ભૂખ્યો છું, પણ આજે મારી વાત સાંભળી એક જણ કહે કે ભૂખ ભૂખ શું કરે છે ? વ્યાકરણનો પાઠ કર ! બીજો કહે કે તું ભૂખ્યો છે તેની ખાતરી શી ? તું સાક્ષી લાવે તો તારી વાત માનું. ત્યારે ત્રીજો કહે કે અન્ન અન્ન કરી મરવાને બદલે કવિતા વાંચ ! તારો ઉદ્ધાર થઈ જશે !’ આ સાંભળી ભગત વિચારમાઅં પડી ગયા. તેમણે કહ્યું : ‘હં, હવે તું ખાતો જા, ને વાત કરતો જા ! મારે તારી બધી જ વાત સાંભળવી છે.’ આમ કહી ભગતે પેલા ત્રણે પંડિતોની વાત પૂરેપૂરી જાણી લીધી.

ભિખારીએ વાત કરતાં કરતાં કહ્યું : ‘આપને મંદિરમાં જવાનું મોડું થાય છે.’

ભક્તે કહ્યું : ‘હું મંદિરમાં જ છું અત્યારે ! જ્યાં ભૂખ્યાને અન્નજળ અપાય છે ત્યાં જો પ્રભુનું મંદિર નથી, તો મંદિર બીજે ક્યાંય નથી !’ ભિખારીને બરાબર જમાડ્યા પછી જ ભક્તે ઘરમાંથી બહાર પગ દીધો. પણ હવે તેમનું મન વિચારે ચડી ગયું હતું. મંદિરમાંથી પાછા ફરતાં તેઓ સીધા જ એ ત્રણે પંડિતોને ઘેર ગયા ને બીજે દિવસે સાંજે પોતાને ત્યાં ભોજન માટે પધારવા એ ત્રણેને નિમંત્રણ આપી આવ્યા. ત્રણે પંડિતોએ આનંદથી એ નિમંત્રણનો સ્વીકાર કર્યો. બીજે દિવસે સવારે ત્રણે પંડિતો ભેગા થયા, ત્રણે દોસ્તો હતા ખરા ને ! વ્યાકરણ-પંડિત કહે :

‘આજે તો ભગતજીને ઘેર બરાબર ઝાપટવું છે ! મને ભાવતું ભોજન જમાડવાનું એમણે કબૂલ કર્યું છે.’

તર્ક-પંડિત કહે : ‘મને પણ ભાવતું ભોજન જમાડવાનું એમણે કહ્યું છે. ભગતજી બહુ સમજુ માણસ છે !’

કાવ્ય-પંડિત કહે : ‘છે જ ! મને પણ ભાવતાં ભોજન પીરસવાનું તેમણે કહ્યું છે. એટલે કાલે રાતે મેં વાળું કર્યું જ નથી !’

તર્ક-પંડિત કહે : ‘મેં પણ નથી કર્યું.’

વ્યાકરણ-પંડિતે કહ્યું : ‘મેં પણ !’ હવે રાતે ભગતને ઘેર ભાવતાં ભોજન એવાં ઝાપટું એવાં ઝાપટું ! – હા, વાત કરતાં જીભ પાણી પાણી થઈ જાય છે !’

વ્યાકરણ-પંડિતે કહ્યું : ‘આનું નામ સરસ્વતી ! આનું નામ ભક્તિ !’

‘ખરું, ખરું !’ કહી ત્રણે જણ એકબીજાને શાબાશી આપવા લાગ્યા. બપોરે કોઈએ કશું ખાધું નહિ. નમતો પહોર થતાંમાં તો તેમની ભૂખ બરાબર ટોચે પહોંચી. સાંજ પડતાં ત્રણે જણા પંડિતાઈના પૂરા ઠાઠમાં ભગતને ઘેર આવી ઊભા.

ભગતે એમનો ભાવથી સત્કાર કર્યો, ને ત્રણેને પોતાના ઘરના બેઠકખંડમાં લઈ જઈને બેસાડ્યા. પછી કહે : ‘જી, હું જરી…. આપના જેવા પ્રખર પંડિતોને જમાડવાના… એટલે જરી વ્યવસ્થા… માફ કરજો, આપ એટલી વાર….’

‘અમે બેઠા છીએ, ચિંતા ન કરો !’ ત્રણેએ કહ્યું.

ભગતજીના ગયા પછી ત્રણેએ ગર્વથી કહ્યું : ‘ભગતે ભોજનની વ્યવસ્થા બહુ મોટા પાયા પર કરી લાગે છે !’ અને પછી તેમણે જ તેનો જવાબ દીધો : ‘જમનારા કંઈ સામાન્યજન નથી !’ કલાકેક પછી ભગત આવ્યા, આવતાં જ તેમણે કહ્યું :

‘બસ, હવે થોડી વાર છે. એટલી વાર આપ જરી જ્ઞાનચર્ચા કરો, હું સાંભળું !’ આનો જવાબ દીધો વ્યાકરણ-પંડિતે. તેણે કહ્યું : ‘એ બધું જમ્યા પછી !’

તર્ક-પંડિતે કહ્યું : ‘જમ્યા પછી ચર્ચામાં ભભક આવશે !’

કવિએ કહ્યું : ‘રંગ જામશે !’

ભગતે કહ્યું : ‘ભલે, તો એમ ! પણ આજે આપ ત્રણેએ આપના અગાધ પાંડિત્યનો મને લાભ આપવો પડશે, એ કહી રાખું છું.’

‘અવશ્ય ! અવશ્ય !’ ત્રણે બોલી ઊઠ્યા. આમ વળી એક કલાક પસાર થઈ ગયો.

‘હું જરી તપાસ કરી આવું, કેમ આટલી વાર લાગી !’ કહી ભગત ફરી ઊભા થયા ને ગયા, તે કલાક દોઢ કલાકે પાછા આવ્યા. એમ કરતાં મધરાત થવા આવી. ભૂખનું શૂળ હવે બરાબર ભોંકાવા માંડ્યું હતું. ભગતે એકદમ હાંફળા ફાંફળા બની દોડાદોડ કરી મૂકી. પછી તેમણે કહ્યું : ‘પધારો પંડિતવર્યો, પધારો, ભોજન તૈયાર છે.’

ભગતજી ત્રણે પંડિતોને એક વિશાળ ખંડમાં લઈ ગયા. ખંડમાં પગ દેતાં જ ખંડના મઘમઘતા સુગંધીદાર વાતાવરણથી પંડિતો પ્રસન્ન થઈ ગયા. ભગતે ઓરડાને ફક્કડ સજાવ્યો હતો. ચાર ખૂણે ચાર ફૂલદાનીઓ અને ધૂપદાનીઓ હતી, તેમાંથી ધૂપની ને ફૂલની સુગંધ પ્રસરતી હતી. વચ્ચે એક નાનકડો ફુવારો, ઝબ ઝબ ઝબ કરતો ઊડતો હતો. ભોજન માટે રંગીન પાટલા ઢાળેલા હતા, ને પાટલા ઉપર ગરમ આસનિયાં બિછાવેલાં હતાં. પાટલાની સામે નાનકડા બાજઠો ઉપર ભોજનના થાળ ગોઠવેલા હતા. થાળ પર રેશમી કપડું ઢાંકેલું હતું. તે પરથી જણાતું હતું કે ભોજન પીરસાઈ ગયું છે. ત્રણે પંડિતો પાટલાઓ પર ગોઠવાઈ ગયા કે ભગતે કહ્યું :

‘આપને ત્રણેને ભાવતાં ભોજન પીરસ્યાં છે, આનંદથી જમો, જરા પણ શરમાશો નહિ !’ આભારસૂચક હસીને ત્રણે પંડિતોએ થાળ પરથી કપડાંનાં ઢાંકણ દૂર કર્યાં – તરત તેમની આંખો ફાટી ગઈ ! આ શું ? ભોજન ક્યાં છે ? લાડુ ક્યાં છે ? વેઢમી ક્યાં છે ? માલપૂડા ક્યાં છે ? બાસૂંદી-મલાઈ ક્યાં છે ? જલેબી-ફરસાણ ક્યાં છે ?

અરે, અહીં તો થાળમાં પોથી છે !

નવાઈ પામી ત્રણેએ ભગતની સામે જોયું.

ભગતે જાણે કંઈ સમજ્યા ન હોય તેમ કહ્યું : ‘જમો, ટેસથી જમો, આનંદ ઉલ્લાસથી જમો ! આપને ભાવતાં ભોજન છે ! ધરાઈને જમજો, જરાયે શરમાશો નહિ !’

‘શું અમારી મશ્કરી કરો છો ?’ કહી વ્યાકરણ-પંડિતે માથેથી ચોટલીની ગાંઠ છોડવા માંડી.

ભગતે ઠંડકથી કહ્યું : ‘ચાણક્યની પેઠે ચોટલીની ગાંઠ છોડવી રહેવા દો, પંડિતજી ! નહિ તો ફરી બાંધવી મુશ્કેલ થઈ પડશે. આપને વ્યાકરણ પર પ્રીતિ છે અને ચાર દિવસના ભૂખ્યા માણસને પણ આપ ભૂખના નિવારણ માટે વ્યાકરણનો પાઠ કરવાનું કહી શકો છો, એટલે આપને માટે મેં ખાસ પાણિનિના આ વ્યાકરણની પોથી મંગાવીને ભોજનમાં પીરસી છે ! ચટણીમાં ‘અમરકોશ’ ચાલશે એમ માનું છું.’

પછી ભગતે તર્ક-પંડિત સામે જોઈ કહ્યું : ‘આપ તો મહાન તર્ક-શાસ્ત્રી છો, ન્યાયશાસ્ત્રી છો, આપ કોઈથી છેતરાતા નથી; ચાર દિવસના ભૂખ્યા માણસની વાત આપ સાક્ષી-પુરાવા વગર માનવા તૈયાર નથી, એ આપની ઉચ્ચ વૃત્તિને ભાવે તેવું ભોજન આપના ભાણામાં પીરસેલ છે – ‘વૈશેષિક ન્યાયસૂત્ર !’ ચટણીમાં આપણો નવો ‘હિંદુ કોડ’ ચાલશે કે કૉલેજની ‘તર્ક પ્રવેશિકા’ મૂકું ? શાંતિથી જમજો, જરાયે શરમાશો નહિ !’ પછી તેમણે કાવ્ય-પંડિતની સામે જોઈ કહ્યું :

‘કવિરાજ, આપ તો અન્નરસ કરતાં કાવ્યરસને અધિક ગણો છો અને ચાર દિવસના ભૂખ્યા માણસને કાવ્યરસનું પાન કરી મૃત્યુલોકના જીવ મટી દિવ્યલોકના જીવ બનવાનો ઉપદેશ આપો છો; એટલે આપની એ ઉચ્ચ કાવ્યભક્તિ જોઈ આપના ભાણામાં ‘કાદંબરી’ પીરસેલ છે. મોજથી એ આરોગો ને તૃપ્ત બનો ! ચટણીમાં ‘ગીતગોવિંદ’ ચાલશે ને ? – કે ‘મેઘદૂત’ મૂકું ? દિલ ચાહે તે માગો, બંને હાજર છે !’ ભૂખથી પંડિતો બહાવરા તો બનેલા જ હતા. હવે પોથી સિવાય બીજું કંઈ ખાવાનું નથી એ જાણી વધારે અકળાયા. તેમણે કહ્યું :

‘ભગતજી, પંડિતોને ઘેર જમવા તેડી તેમનું આવું અપમાન કરો છો ?’

ભગતે શાંતિથી કહ્યું : ‘આમાં અપમાન શાનું ? તમને ભાવતાં ભોજન તો પીરસ્યાં છે ! પ્રેમથી જમો, તૃપ્ત થાઓ !’ ત્રણે ગુસ્સામાં બોલી ઊઠ્યા :

‘શું જમીએ, કપાળ ? પોથી પુસ્તકનું તે કદી ભોજન થતું હશે ?’

ભગતે નવાઈ પામી કહ્યું : ‘હેં, ન થાય ? ખરેખર ન થાય ?’

પંડિતોએ કહ્યું : ‘ન જ થાય.’ ભગતે કહ્યું : ‘પરંતુ ગઈ કાલે સવારે એક ભૂખ્યો ભિખારી આપને ત્યાં અન્નજળ માગવા આવ્યો ત્યારે તો, આપે તેને કંઈ જુદું જ કહેલું ! એ પરથી હું સમજ્યો કે તમે સૌ એવા મહાન જીવ છો કે પોથીઓનું ભોજન કરીને જીવો છો !’

વ્યાકરણ-પંડિતે કહ્યું : ‘પેટમાં અત્યારે બિલાડાં બોલે છે, ભગતજી, અત્યારે આ પોથીચર્ચા રુચતી નથી !’

ભગતે કહ્યું : ‘શું બોલો છો તમે આ ? પેલા ભિખારીને તો તમે ઉદર અને ક્ષુધાનું ઉચ્ચારણ શીખવતા હતા ! કહેતા હતા કે ભૂખ શી ચીજ છે શબ્દની આગળ ! શબ્દમાં પ્રાણ છે, શબ્દમાં જીવન છે ! તો પંડિતજી, એ જીવનથી હવે પેટ ભરો !’

ત્યાં તો તર્ક-પંડિત બોલી ઊઠ્યો : ‘હવે મશ્કરી છોડો, ભગતજી ! વેઢમી, લાડુ, માલપૂઆ, જે હોય તે પીરસો ! ભૂખે મારો જીવ જાય છે !’

ભગતે કહ્યું : ‘આપનો જીવ જાય છે એ વાત હું કેવી રીતે માનું ? પંડિતજી ! એ આપનું કેવળ અનુમાન છે. આપ આખેઆખા છો, સાજાતાજા છો, ને આપનો જીવ જાય છે એ વાત બને કેવી રીતે ? વળી આપનો જીવ જાય છે તો શાથી જાય છે, શા માટે જાય છે, શું કરતાં જાય છે, કેવી રીતે જાય છે, જાય છે તો ક્યાં જાય છે અને ક્યાં નથી જતો એ બધા પ્રશ્નોનું સમાધાન પહેલાં થવું જોઈએ અને પ્રત્યક્ષ સાક્ષી-પુરાવાથી આપે એ સાબિત કરવું જોઈએ. માત્ર આપના કહેવાથી એ વાત હું માની લઈ શકું નહિ !’

ત્યાં તો કાવ્ય-પંડિત બોલી ઊઠ્યો : ‘અરે, એમાં સાક્ષી પુરાવાની ક્યાં જરૂર છે ? આ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે ! અમે ભૂખ્યા છીએ, કાલના ભૂખ્યા છીએ. લાડુ, વેઢમી ન હોય તો તમારા ઘરમાં જે લૂખું સૂકું હોય તે પીરસો….’

ભગતે કહ્યું : ‘આપ રસપાન કરવાવાળા જીવ છો, આપને લૂખું સૂકું કેમ પીરસાય ?’

‘તો અમને અમારા ઘર ભેગા થવા દો !’

‘થાઓ !’ – ભગતે આ કહ્યું કે ત્રણે પંડિતો ઊભા થયા, પણ જ્યાં બારણામાંથી નીકળવાનું કરે છે ત્યાં બારણામાં જ એક માણસ હાથમાં લાઠી લઈને ઊભેલો દેખાયો.

તેણે ગર્જના કરી કહ્યું : ‘ખબરદાર ! કહું છું કે અહીં ભાણામાં પીરસેલું બધું જમી લો, નહિ તો આ જોઈ છે ?’ આમ કહી એણે ડાંગ માથા પર ઉગામી. ત્રણે પંડિતો ગભરાઈને પાછા હઠ્યા. ભગતે હસીને કહ્યું :

‘જમી લો, પંડિતવર્યો, જમી લો, ભાણામાં પીરસેલાં ભોજન જમી લો !’

ત્રણેએ કહ્યું : ‘પણ આ પોથીઓ ખવાય કેવી રીતે ? પોથીથી કંઈ પેટ ભરાતું હશે ?’

બારણામાં ઊભેલા ડંડાધારીએ કહ્યું : ‘તો કાલે પેલા ભૂખ્યા માણસને પોથીથી પેટ ભરવાનું કેમ કહેતા હતા ? તે વખતે ભૂખની પીડાથી એનો જીવ જતો હશે એ તમને કેમ સમજાયું નહિ ?’ ત્રણે જણા આભા બની એ બોલનારની સામે જોઈ રહ્યા. આ જ એ ભિખારી ! હવે બધી વાત તેમને સમજાઈ ગઈ.

તેમણે કહ્યું : ‘હવે અમને ભૂખની પીડા સમજાઈ ! ભૂખ બહુ ભૂંડી ચીજ છે, એની આગળ શાસ્ત્ર કે કાવ્ય બધું નકામું છે ! અત્યારે અમને એવી ભૂખ લાગેલી છે કે વ્યાકરણપોથી જલાવીને ખીચડી પકાવી ખાઈએ !’

ભગતે કહ્યું : ‘સમજાય છે એ વાત ?’

ત્રણેએ કહ્યું : ‘સમજાય છે, બરાબર સમજાય છે ! હવે અમારે આંગણેથી કોઈ કાળે કોઈ ભૂખ્યો નહિ જાય !’

ભગતજી બોલી ઊઠ્યા : ‘વાહ, પંડિતજી, વાહ !’

અને તરત તેમણે હુકમ કર્યો : ‘અરે, લાવો, ભાણાં લાવો !’

બીજી જ પળે ત્યાં નવાં ભાણાં પીરસાઈ ગયાં. આ વખતે ભાણામાં ખરેખર મનભાવતાં મિષ્ટાન્ન હતાં – લાડુ, વેઢમી, માલપૂઆ, બાસૂંદી – એક ખાઓ ને બીજું ભૂલો, એવી બધી વાનગીઓ ! ત્રણે પંડિતોએ પેટ ભરીને ખાધું – આનંદ-ઉત્સાહથી ખાધું, સંતોષથી ખાધું. ભગતજીએ ત્રણેને દક્ષિણામાં અમુક રકમ આપી. પંડિતો રાજી થતા થતા ઘેર ગયા.

કાબર અને કાગડો


એક હતી કાબર અને એક હતો કાગડો.

બન્ને વચ્ચે દોસ્તી થઈ.

કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી.

કાબરે કાગડાને કહ્યું - કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલોને આપણે ખેતર ખેડીએ ! દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ.

કાગડો કહે - બહુ સારું; ચાલો.

પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યાં.

થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો - કાબરબાઈ ! તમે ખેતર ખેડતાં થાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું.

કાબર કહે - ઠીક.

પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ તો પાછા આવ્યાં જ નહિ.

કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પાં મારવા લાગ્યા.

કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો ને ! ખેતર તો ખેડાઈ ગયું. હવે આપણે વાવીએ.

કાગડો કહે -
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ ! આવું છું.
કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું.

કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ !

એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો, ચાલો; બાજરો બહુ સારો ઊગ્યો છે. હવે જલદી નીંદવું જોઈએ, નહિતર મોલને નુકસાન થશે.

આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું :
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ ! આવું છું.
કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું.

વખત જતાં કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ ! હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે. મોડું કાપશું તો નુકસાન થશે.

લુચ્ચા કાગડાએ કહ્યું -
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ ! આવું છું.
કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ. અને ખિજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી.

પછી તો કાબરે બાજરીનાં ડુંડાંમાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો, અને બીજી કોર એક મોટો ઢૂંસાંનો ઢગલો કર્યો. અને એ ઢૂંસાંના ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઢૂંસાંનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય.

પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે - કાગડાભાઈ ! હવે તો ચાલશો ને ? બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે. તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફુલાઈ ગયા.

તેણે કાબરને કહ્યું - ચાલો બહેન ! તૈયાર જ છું. હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે.

કાબર મનમાં ને મનમાં બોલી - તમારી ખોટી દાનતનાં ફળ હવે બરાબર ચાખશો, કાગડાભાઈ !

પછી કાગડો અને કાબર ખેતરે આવ્યાં. કાબર કહે - ભાઈ ! તમને ગમે તે ઢગલો તમારો..

કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાંવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈસાહેબના પગ ઢૂંસાંમાં ખૂંતી ગયાં અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસાં ભરાઈ ગયાં અને કાગડાભાઈ મરણ પામ્યા !

પછી કાબરબાઈ બાજરો ઘેર લઈ ગઈ. અને ખાધું, પીધું ને મોજ કરી.

મા ! મને છમ વડું



એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.

બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.

એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું - આજ તો વડાં ખાવાનું મન થયું છે.

બ્રાહ્મણીએ કહે - પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચ-સાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો પણ ઘણું.

બ્રાહ્મણ કહે - ત્યારે કંઈ નહિ; વાત માંડી વાળો.

બ્રાહ્મણી કહે - ના, એમ નહીં. પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યા છે; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દો. પછી હું તમને પાંચ-સાત પાડી આપીશ. મારે કંઈ ખાવાં નથી એટલે તમે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.

બ્રાહ્મણ કહે - ભલે, પણ તુંએ એકાદ-બે ચાખજે ને.

બ્રાહ્મણી કહે - સારું.

રાત પડી ને છોડીઓ સૂઈ ગઈ પછી બ્રાહ્મણીએ હળવેથી ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકીને ઉપર ટીપૂંક તેલ મૂક્યું. પછી વડાંનો લોટ ડોઈને વડાં કરવા બેઠી. જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં ‘છમ, છમ’ થયું. આ ‘છમ છમ’નો અવાજ સાંભળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - સૂઈ જા, સૂઈ જા, આ લે એક વડું. જોજે બીજી જાગે નહીં. પહેલી છોડી તો એક વડું ખાઈને પાણી પીને સૂતી.

માએ તો બીજું વડું મૂક્યું. ત્યાં તો પાછું ‘છમ છમ’ થયું. બીજી છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - લે સૂઈ જા, સૂઈ જા. જોજે બીજી બહેન જાગશે. બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ.

બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કહે - હશે, એ તો છોકરાં છે ને !

પછી માએ ત્રીજું વડું મૂક્યું; પણ ત્યાં તો પાછું છમ, છમ, છમ ! ‘છમ છમ’ સાંભળી વળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - લે. વળી તું ક્યાં જાગી ! લે આ વડું; ખાઈને સૂઈ જજે. જોજે બીજીને જગાડતી નહિ.

ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો. બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું તો ‘છમ છમ છમ’ બોલ્યું. ‘છમ છમ’ થતું સાંભળી ચોથી છોડી જાગી ને એનેય વડું આપીને માએ સુવાડી દીધી. પછી તો પાંચમી છોડી જાગી ને પાંચમું વડું એને આપવું પડ્યું. તે પછી વળી છઠ્ઠી છોડી જાગી ને છઠ્ઠું વડું એના ભાગે ગયું. ને છેવટે સાતમું વડું સાતમી છોકરીએ ખાધું. ત્યાં તો બધો લોટ ખલાસ થઈ ગયો !

બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં ને પાણી પીને સૂઈ ગયાં.

પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી


એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો.

એક દિવસ પોપટને એની મા કહે - ભાઈ, કમાવા જા ને !

પોપટ તો ‘ઠીક’ કહી કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો.

આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબાડાળે હીંચકે ને ટહૂકા કરે. ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહે -

એ ભાઈ ગાયોના ગોવાળ, ગાયોના ગોવાળ ! મારી માને એટલું કહેજે

પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે
ગોવાળ કહે - બાપુ ! આ ગાયો રેઢી મૂકીને હું તે તારી બાને કહેવા ક્યાં જાઉં ? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી.

થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંશોના ગોવાળને કહે -

એ ભાઈ ભેંશોના ગોવાળ, ભાઈ ભેંશોના ગોવાળ ! મારી માને એટલું કહેજે

પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે
ભેંશોનો ગોવાળ કહે - બાપુ ! મારાથી તો કહેવા નહિ જવાય. તારે જોઈએ તો આમાંથી એક પાડિયાળી ભેંશ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંશ લીધી ને આંબાના થડે બાંધી.

થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાંનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાંના ગોવાળને કહે -

એ ભાઈ બકરાંના ગોવાળ, બકરાંના ગોવાળ ! મારી માને એટલું કહેજે

પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે
બકરાંનો ગોવાળ કહે - અરે બાપુ ! આ બકરાં રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહિ જવાય. તારે જોઈએ તો બે-ચાર બકરાં લઈ લે. પોપટે તો બે-ચાર રૂપાળાં બકરાં લઈ લીધાં ને આંબાના થડે બાંધી દીધાં.

વળી ત્યાંથી ઘેટાંનો ગોવાળ નીકળ્યો. ઘેટાંના ગોવાળે પોપટને ચાર-પાંચ ઘેટાં આપ્યા.

પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંઢિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો.

પછી પોપટ તો ગાય, ભેંશ, બકરાં, ઘેટાં, ઘોડો, હાથી ને સાંઢિયો બધાંયને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાંયને વેચી નાખ્યા એટલે એને તો ઘણાં બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનુ-રૂપું લીધું ને તેના ઘરેણાં ઘડાવ્યાં.

પછી એણે ઘરેણાં નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા; બીજા રૂપિયાને પાંખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતાં આવતાં મોડી રાત થઈ ગઈ. ઘરનાં બધાં ઊંઘી ગયાં હતાં. પોપટે તો સાંકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું -
મા, મા !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
મા બિચારી આખો દિવસ ઘરનું કામ કરી કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહિ. એને થયું અત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એણે તો બારણાં ઉઘાડ્યાં નહિ. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે -
કાકી, કાકી !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
કાકીએ તો સૂતાં સૂતાં જ સંભળાવી દીધું - અત્યારે અડધી રાતે કોઈ બારણાં ઉઘાડતું નથી. આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો. જઈને કહે -
બહેન, બહેન !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
બહેન કહે - અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય ? ભાગી જા ! તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસી, ફોઈબા વગેરે ઘણાં સગાંવહાલાંને ઘેર ગયો પણ કોઈએ બારણાં ઉઘાડ્યાં નહિ.

છેવટે પોપટ એની મોટીબાને ત્યાં ગયો. એની મોટીબા એને ખૂબ વહાલ કરતાં હતા.

મોટીબાએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે - આવી ગયો, મારા દીકરા ! આ આવી; લે બારણાં ઉઘાડું છું, બાપુ ! પછી બારણાં ઉઘાડ્યાં એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટીબાને પગે લાગ્યા. મોટીબાએ એના દુખણાં લીધાં.

પછી તો મોટીબાએ પોપટ માટે પાથરણાં પથરાવ્યાં, ઢોલીડાં ઢળાવ્યાં ને ઉપર સુંવાળા સુંવાળા ગાદલાં પથરાવ્યાં. પછી કહે - દીકરા ! જરા અહીં બેસજે, હોં. હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટીબા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈયું પૂઉંઉંઉં કરતી વાગવા માંડી.

પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાંખમાંથી ને ચાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધાં રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટીબા પણ ખૂબ રાજી થયા.

શરણાઈ સાંભળતાં સાંભળતાં પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને મોટીબાએ પોપટભાઈની માને બોલાવી પોપટભાઈના રૂપિયા - ઘરેણાં એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલાવી દીધા.

 દલો તરવાડી


એક હતો તરવાડી. એનું નામ હતું દલો.

દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી !

તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ?

ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ?

તરવાડી કહે – ઠીક.

તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ?

છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ! ચાલો, વાડીને જ પૂછીએ.

દલો કહે – વાડી રે બાઈ વાડી !

વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું – શું કહો છો, દલા તરવાડી ?

દલો કહે – રીંગણાં લઉ બે-ચાર ?

ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર !

દલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરી ને ખાધો. ભટ્ટાણીને રીંગણાંનો સ્વાદ લાગ્યો, એટલે તરવાડી રોજ વાડીએ આવે ને ચોરી કરે.

વાડીમાં રીંગણાં ઓછા થવા લાગ્યાં.વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ; તેને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા - વાડી રે બાઈ વાડી !

વાડીને બદલે દલો કહે - શું કહો છો, દલા તરવાડી ?

દલો કહે – રીંગણા લઉ બે-ચાર ?

ફરી વાડી ન બોલી.એટલે વાડીને બદલે દલો કહે - લે ને દસ-બાર !

દલા તરવાડી એ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં. અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે – ઊભા રહો, ડોસા ! રીંગણાં કોને પૂછીને લીધાં ?

દલો કહે – કોને પૂછીને કેમ ? આ વાડીને પૂછીને લીધાં.

માલિક કહે – પણ વાડી કાંઈ બોલે ?

દલો કહે – વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના ?

માલિક ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો – કૂવા રે ભાઈ કૂવા !

કૂવાને બદલે વશરામ કહે – શું કહો છે વશરામ ભૂવા ?

વશરામ કહે – ડબકાં ખવરાવું બે-ચાર ?

કૂવાને બદલે વશરામ બોલ્યો – ખવરાવ ને, ભાઈ ! દસ-બાર.

દલા તરવાડીના નાકમાં અને મોમાં પાણી પેસી ગયું, તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો - ભાઈસા'બ ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહી કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું !

પછી વશરામ ભૂવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો.
                પેમલો પેમલી

એક હતો પેમલો ને એક હતી પેમલી.

લાકડાં કાપવાથી થાકીપાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું - પેમલી ! આજ તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું.

પેમલી કહે - કોણ ના કહે છે ? લો પેલો હાંડો; ઊંચકો જોઈએ !

પેમલે હાંડો ઊંચક્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે બાજુના કુવામાંથી પાણી ભરી આવો.

પેમલો પાણી ભરી આવ્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે હાંડો ચૂલે ચડાવો.

પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે લાકડાં સળગાવો.

પેમલે લાકડાં સળગાવ્યાં ને કહે - હવે ?

પેમલી કહે - હવે ફૂંક્યા કરો; બીજું શું ?

પેમલે ચૂલો ફૂંકીને તાપ કર્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે હાંડો નીચે ઉતારો.

પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે હાંડો ખાળે મૂકો.

પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે - હવે ?

પેમલી કહે - જાઓ હવે નાહી લો.

પેમલો નાહ્યો ને પછી કહે - હવે ?

પેમલી કહે - હવે હાંડો ઠેકાણે મૂકો.

પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો - હાશ ! જો, શરીર કેવું મજાનું હળવુંફૂલ થઈ ગયું ! રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું !

પેમલી કહે - હું ક્યાં ના પાડું છું? પણ આમાં આળસ કોની?

પેમલો કહે - આળસ મારી ખરી; પણ હવે નહિ કરું.

પેમલી કહે - તો ઠીક, હવે શાન્તિથી સૂઈ જાઓ.

સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી

એક હતો વાણિયો. વીરચંદ એનું નામ.

ગામડામાં રહે. હાટડી માંડે ને રળી ખાય. ગામમાં કાઠી અને કોળીઓને વઢવાડ; બાપદાદાનું વેર.

એક દિવસ કાઠી કથળ્યા અને કોળી ઉમટ્યા. સામસામી તલવારો ખેંચી બજાર વચ્ચે ઊતરી પડ્યા. કાઠીએ જમૈયો કાઢી કોળી પર ઘા કર્યો. કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યો; એક ઘાએ કાઠીનું ડોકું હેઠું પડ્યું ને તલવાર લોહીલોહાણ.

વાણિયો તો મારામારી જોઈ હબકી ગયો. હાટડી બંધ કરીને અંદર પેઠો. અંદરથી બધું જોતો હતો ને ધ્રૂજતો હતો. ખૂન થયું, કાઠીનું ખૂન થયું; દોડો રો દોડો ! એવી બૂમ પડી. આમથી તેમથી સિપાઈસપરાં દોડી આવ્યાં; ગામધણી ને મુખી પણ આવ્યા. બધા કહે - આ તો રઘા કોળીનો ઘા. બીજા કોઈની હામ નહિ ! પણ કોરટ-કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે ?

કોઈ કહે - આ વીરચંદ શેઠ હાટડીમાં હતા. એ આપણા સાક્ષી. ભાળ્યું ન ભાળ્યું એ જાણે. હાટડીમાં તો હતા ને ?

વાણિયાને તો પકડી મંગાવ્યો ને કર્યો હાજર ફોજદાર પાસે. ફોજદારે પૂછ્યું - બોલ વાણિયા ! તું શું જાણે છે ?

વાણિયો કહે - બાપજી ! મને તો કશી વાતની ખબર નથી. હું તો હાટડીમાં બેસી નામું લખતો હતો.

ફોજદાર કહે - બસ, તારે જુબાની આપવી જ પડશે. કહેવું પડશે કે બધું મેં નજરોનજર ભાળ્યુ છે.

વાણિયો મૂંઝાણો. ડોકું હલાવી ઘેર ગયો. રાત પડી પણ ઊંઘ આવે નહિ. આમ કહીશ તો કોળી સાથે વેર થશે ને આમ કહીશ તો કાઠી વાંસે પડશે. છેવટે વાણિયે મનમાંને મનમાં કૈંક વિચાર કરી રાખ્યો.

બીજે દિવસે કેસ ચાલ્યો. ન્યાયાધિશ કહે - વાણિયા ! બોલ. ખોટું બોલે એને પરભુ પૂછે. બોલ જોઈએ. ખૂન કેમ થયું ને કોણે કર્યું ?

વાણિયો કહે - સાહેબ !
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.
- પછી ?

- પછી ઈનું ઈ.

- પણ ઈનું ઈ શું ?

- સાહેબ !
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.
- પણ પછી ?

- પછી ?
પછી તો સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
એમ કહીને વાણિયો તો કોરટ વચ્ચે જ ફસકાઈને પડી ગયો ને બોલ્યો - અરે સાહેબ ! અમે વાણિયા. લોહીનો ત્રસકો ય જોઈ ન શકીએ. ઈ સામસામી ખેંચાણી અને મને તમ્મર તે એવી આવી ગઈ કે પછી સિપાઈસપરા ભેળા થયા ત્યારે જ શુદ્ધિ આવી.

ન્યાયાધિશ કહે - ઠીક; હવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ ?

વાણિયો કહે -
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા
સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
ન્યાયાધિશે આખરે વાણિયાને રજા આપી ને કાઠીને કોણે માર્યો તે સમજાયું નહિ એટલે કેસ આખો ઊડી ગયો.

    ટીડા જોશી


એક હતો જોશી. એનું નામ ટીડા જોશી.

એને જોશ જોતાં ન આવડે પણ ખોટો ખોટો દેખાવ કરી પૈસા કમાઈ લે.

એક દિવસ ટીડા જોશી એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા. રસ્તામાં બે ધોળા બળદને એક ખેતરમાં ચરતાં દીઠા. આ વાત એને યાદ રહી ગઈ.

જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલને ત્યાં ઉતારો કર્યો. ત્યાં એક કણબી-કણબણ આવ્યાં ને જોશીને કહે - જોશી મહારાજ ! અમારા બે ધોળા બળદ ખોવાયા છે. તે કઈ દિશામાં ગયા હશે તેનું જોશ ઝટ ઝટ જોઈ આપો ને?

જોશીએ તો હોઠ ફફડાવી એક જૂના સડી ગયેલા ટીપણામાં જોઈને કહ્યું - પટેલ ! તમારા બળદ આથમણી સીમમાં ફલાણા ખેતરમાં છે, ત્યાંથી લઈ આવો. પટેલ તો બતાવેલા ખેતરે ગયો એટલે તેને બળદ મળી ગયા. તે ઘણો રાજી થયો અને તેણે ટીડા જોશીને સારી ભેટ ધરી ખુશ કર્યા.

બીજે દિવસે રાત્રે ટીડા જોશીની પરીક્ષા કરવા ઘરધણીએ પૂછ્યું - મહારાજ ! તમારું જોશ સાચું હોય તો કહો, આજે ઘરમાં કેટલા રોટલા થયા છે ?

બન્યું એવું કે ટીડા જોશીને કંઈ કામ ન હતું અને ઘરમાં નવરાધૂપ બેઠા હતા એટલે રોટલાના તાવડીમાં નાખતી વખતે થયેલા ટપાકા ગણતા હતા ! જોશીએ તો ટાઈમ પાસ કરવા ટપાકા ઉપરથી ગણી રાખેલું હતું કે કુલ તેર રોટલા થયેલા છે. સવાલ સાંભળી તેમણે જોશ જોવાનો ડોળ કરી કહ્યું - પટેલ આજે તમારા ઘરમાં તેર રોટલા થયા હતા.

પટેલે પટલાણીને પૂછી જોયું તો જોશીની વાત સાવ સાચી નીકળી. પટેલને તો બહુ નવાઈ લાગી.

આ બે બનાવથી જોશી મહારાજની કીર્તિ આખા ગામમાં ફેલાઈ, ને સૌ જોશી મહારાજ પાસે જોશ જોવરાવવા આવવા લાગ્યા. એટલામાં ત્યાંના રાજાની રાણીનો નવલખો હાર ખોવાયો. રાજાએ જોશીની કીર્તિ સાંભળી હતી, એટલે તેણે તેને તેડાવ્યો.

રાજાએ જોશીને કહ્યું - જુઓ, ટીડા મહારાજ ! રાણીનો હાર ક્યાં છે અથવા તો કોણ લઈ ગયું છે તે જોશ જોઈને કહો. હાર જડશે તો તમને ઘણા રાજી કરીશું.

જોશી મૂંઝાયા. જરા વિચારમાં પડ્યા. રાજાએ કહ્યું - આજની રાત તમે અહીં રહો, ને રાત આખી વિચાર કરીને સવારે કહેજો. પણ જોજો, જોશ ખોટું પડશે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ.

ટીડા જોશી તો વાળુ કરીને પથારીમાં પડ્યા પણ ઊંઘ ન આવે. જોશીના મનમાં ભય હતો કે નક્કી સવારે રાજા ઘાણીએ ઘાલીને મારું તેલ કાઢશે. નીંદર નહોતી આવતી એટલે તે નીંદરને બોલાવવા લાગ્યા - નીંદરડી ! આવ; નીંદરડી ! આવ.

હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની દાસી રહેતી હતી ને તેણે જ હાર ચોર્યો હતો. ટીડા જોશીને નીંદરડી ! આવ; નીંદરડી ! આવ, એવું બોલતાં એણે સાંભળ્યા એટલે તે એકદમ ગભરાઈ ગઈ. એને લાગ્યું કે ટીડા જોશી મારું નામ પોતાના જોશના બળે જાણી ગયા લાગે છે.

નીંદરડીએ બચી જવાનો વિચાર કરી સંતાડેલો હાર બહાર કાઢ્યો અને જોશી પાસે છાનીછપની ગઈ અને બોલી - મહારાજ ! લ્યો આ ખોવાયેલો હાર. હારનું ગમે તે કરજો પણ મારું નામ હવે લેશો નહિ.

ટીડા જોશી મનમાં ખુશ થયા કે આ ઠીક થયું; નીંદરને બોલાવતાં આ નીંદરડી આવી અને સામેથી હાર આપી ગઈ ! ટીડા જોશીએ નીંદરડીને કહ્યું - જો, આ હાર રાણીના ઓરડામાં તેના પલંગ નીચે મૂકી આવ.

સવાર પડી એટલે રાજાએ ટીડા જોશીને બોલાવ્યા. ટીડા જોશીએ તો ઢોંગ કરી એક-બે સાચા ખોટા શ્લોક બોલ્યા અને પછી આંગળીના વેઢા ગણી હોઠ ફફડાવી, લાંબું ટીપણું ઉખેડી બોલ્યા - રાજા ! રાણીનો હાર ક્યાંય ખોવાયો નથી. તપાસ કરાવો. રાણીના ઓરડામાં જ તેના પલંગની નીચે હાર પડ્યો છે, એમ મારા જોશમાં આવે છે.

તપાસ કરાવતાં હાર પલંગ તળેથી જ મળ્યો. રાજા ટીડા પર ખુશ થયો અને તેને સારું ઈનામ આપ્યું.

રાજાએ એક વાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક યુક્તિ રચી. ટીડા જોશીને લઈને રાજા એક વાર જંગલમાં ગયો. જોશીની નજર બીજે હતી એટલી વારમાં રાજાએ પોતાની મૂઠીમાં એક ટીડળું પકડી લીધું, ને પછી પોતાની બંધ મૂઠી બતાવી ટીડાને કહ્યું - કહો ટીડાજી ! આ મૂઠીમાં શું છે ? જોજો, ખોટું પડશે તો માર્યા જશો !

ટીડા જોશી હવે પૂરા ગભરાયા. તેમણે વિચાર કર્યો કે હવે ભરમ ઉઘાડો થશે. હવે તો રાજા જરૂર મારશે. બીકમાંને બીકમાં બધી સાચી વાત રાજાને કહી દેવાને રાજાની માફી માગવા માટે બોલ્યા -

ટપટપ કરતાં તેર જ ગણ્યા
વાટે આવતા ધોરી મળ્યા;
નીંદરડીએ આપ્યો હાર
કાં રાજા ટીડાને માર ?
ટીડા જોશી જ્યાં, ‘કાં રાજા ટીડાને માર ?’ એમ બોલ્યા ત્યાં તો રાજાના મનમાં થયું કે જોશી મહારાજ તો ખરેખરા સાચા જોશી છે. રાજાએ તો પોતાના હાથમાંથી ટીડળું ઉડાડી કહ્યું - વાહ, જોશીજી ! તમે તો મારા હાથમાં ટીડળું હતું તે પણ જાણી ગયા !

ટીડા જોશી મનમાં સમજી ગયા કે આ તો મરતાં મરતાં બચ્યા ને સાચા જોશી ઠર્યા ! પછી રાજાએ જોશીને મોટું ઈનામ આપ્યું અને તેમને વિદાય કર્યા. ટીડા જોશીએ પણ તે દિવસ પછી જોશ જોવાનું બંધ કર્યુ અને બીજા કામે વળગી, ખાઈ, પીને મજા કરી.

     ચલ ભંભોટિયા અપને ગામ


એક હતી ડોશી. તે પોતાની દીકરીની બહુ ચિંતા કરે.

ચિંતામાં ને ચિંતામાં ડોશી દુબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી. જતાં જતાં રસ્તામાં જંગલ આવ્યું ને તેને સામે એક વાઘ મળ્યો. વાઘ કહે - ડોશી, ડોશી ! તને ખાઉં.

ડોશી કહે -

દીકરીને ઘેર જાવા દે,
તાજીમાજી થાવા દે,
શેર લોહી ચડવા દે;
પછી મને ખાજે.
વાઘ કહે - ઠીક.

પછી ડોશી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે - ડોશી, ડોશી ! તને ખાઉં.

ડોશી કહે -

દીકરીને ઘેર જાવા દે,
તાજીમાજી થાવા દે,
શેર લોહી ચડવા દે;
પછી મને ખાજે.
સિંહ કહે - ઠીક.

વળી આગળ ચાલતાં ડોશીને રસ્તામાં સાપ, વરુ વગેરે જનાવરો મળ્યાં. ડોશીએ બધાં જનાવરોને આ પ્રમાણે વાયદો કર્યો.

ડોશી તો તેની દીકરીને ઘેર ગઈ. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોશીને સારું સારું ખવરાવે-પિવરાવે પણ ડોશી સારી થાય નહિ. પછી એક દિવસ ડોશીને એની દીકરીએ પૂછ્યું - માડી ! ખાતાંપીતાં તમે પાતળાં કેમ પડતાં જાઓ છો ?

ડોશી કહે - દીકરી, બાપુ ! હું તો પાછી ઘેર જઈશ ને, ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાનાં છે. મેં તેમને બધાંને કહ્યું છે કે…હું પાછી આવું પછી મને ખાજો.

દીકરી કહે - અરે માડી ! એમાં તે બીઓ છો શું ? આપણે ત્યાં એક ભંભોટિયો છે. તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતાં દોડાવતાં લઈ જજો.

ડોશી માટે તો દીકરીએ એક ભંભોટિયો આણ્યો. પછી ડોશીમા તેમાં બેઠાં અને ભંભોટિયો દડતો દડતો ચાલ્યો.

રસ્તામાં તેને વાઘ મળ્યો. ભંભોટિયાને જોઈ વાઘ કહે - ભંભોટિયા, ભંભોટિયા ! ક્યાંય ડોશીને દીઠા ?

ભંભોટિયો કહે -

કિસકી ડોશી, કિસકા કામ,
ચલ ભંભોટિયા અપને ગામ.
વાઘ તો આ સાંભળી વિચારમાં પડ્યો - માળું, આ શું ? આ ભંભોટિયામાં તે શું હશે ?

વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો. પછી સિંહ, સાપ વગેરે બીજાં જનાવર મળ્યાં. સૌ જનાવરોએ ભંભોટિયાને પૂછ્યું પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો.
કિસકી ડોશી, કિસકા કામ,
ચલ ભંભોટિયા અપને ગામ.
આથી સૌ ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યાં.

છેવટે ભંભોટિયો ડોશીના ઘર પાસે આવ્યો.

ડોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી જેવા ઘરમાં જવા જાય ત્યાં તો બધાં જનાવરો તેને ઓળખી ગયાં. સૌ કહે - ડોશી ! તને અમે ખાઈએ. ડોશી ! તને અમે ખાઈએ.

એટલામાં ડોશી એકદમ દોડીને ઘરમાં પેસી ગયાં અને ઘરના બારણાં ઝટ બંધ કરી દીધાં.

પછી સૌ જનાવરો પણ નિરાશ થઈને પાછાં જંગલમાં જતાં રહ્યાં.

   સસોભાઈ સાંકળિયા


એક હતું શિયાળ અને એક હતો સસલો.

બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બેઈ જણા એક વાર ગામ ચાલ્યા. રસ્તામાં બે મારગ આવ્યા. એક મારગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે - હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાને રસ્તે ચાલ્યું ને સસલો લોઢાને રસ્તે ચાલ્યો.

લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને ખૂબ ભૂખ લાગી હતી તેથી તે બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું ત્યાં તો ભાઈને ગાંઠીયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધું ને પછી લાંબા થઈને મઢીનાં બારણાં બંધ કરીને સૂતા. એટલામાં બાવો આવ્યો ને મઢીનાં બારણાં બંધ જોઈ બાવાએ પૂછયું - એ, મારી મઢીમાં કોણ છે ? અંદરથી સસલાભાઈ તો ખૂબ રોફથી બોલ્યા -

એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ બાવા,
નીકર તારી તુંબડી તોડી નાખું !
બાવો તો બીને નાઠો. ગામમાં જઈને એક પટેલને તેડી આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઇને બોલ્યો - બાવાજીની ઝૂંપડીમાં કોણ છે ? અંદરથી રોફ કરી ફરી સસાભાઈ બોલ્યા -
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ પટેલ,
નીકર તારી પટલાઈ તોડી નાખું !
પટેલ પણ બીને ભાગી ગયો. પછી પટેલ મુખીને તેડીને આવ્યો.

મુખી કહે - કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં ? સૂતાં સૂતાં સસલાભાઈએ રોફબંધ કહ્યું-

એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ મુખી,
નીકર તારું મુખીપણું તોડી નાખું !
આ સાંભળીને મુખી પણ બીને નાસી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધાં ગયા પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા. શિયાળને મળ્યા ને બધી વાત કહી. શિયાળને પણ ગાંઠિયાપેંડા ખાવાનું મન થયું. તે કહે - ત્યારે હું પણ મઢીમાં જઈને ખાઈ આવીશ.

સસલો કહે - ઠીક, જાઓ ત્યારે; લ્યો, ગાંઠિયાપેંડાનો સ્વાદ ! શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા ને બોલ્યા - મારી મઢીમાં કોણ છે ? શિયાળે હળવેકથી કહ્યું -
એ તો શિયાળભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ બાવા,
નીકર તારી તુંબડી તોડી નાખું !
બાવાજી તો સાદ પારખી ગયા એટલે કહે - ઓહો, આ તો શિયાળ છે! પછી બાવાજીએ બારણાં ખેવડ્યાં અને અંદર જઈ શિયાળને બહાર કાઢી ખૂબ માર માર્યો.

શિયાળભાઈને ગાંઠિયાપેંડા ઠીક ઠીક મળ્યાં ! 
                  લે રે હૈયાભફ !

એક હતો કણબી ને એક હતી કણબણ.

બેય હતા એક એકનું માથુ ભાંગે એવાં; એક એકને પહોંચી વળે એવાં.

સાંજનો વખત હતો. કણબી ખેતરેથી આવી ખાટલે બેઠો બેઠો થાક ખાતો હતો. ત્યાં તો કણબણ રાંધણિયામાંથી બોલી - એ સાંભળ્યું કે ? મારે પિયરથી ઓલ્યો માંડણ ભરવાડ આવ્યો છે. ઈ સમાચાર લાવ્યો છે કે ત્યાં દુકાળ પડ્યો છે ને ખાવા મળતું નથી. કહે કે મારાં મા-બાપ દૂબળાં થઈ ગયાં છે.

કણબીએ આસ્તેથી જવાબ આપ્યો - તે એમાં આપણે શું કરીએ ? આપણે કાંઈ પરભુ છીએ તે મે' આણીએ ? હોય, દુકાળેય પડે !

કણબણને તો માઠું લાગ્યું ને તાડૂકી - લે ! કે' છે, હોય, દુકાળેય પડે ! ખબર પડે દુકાળ વેઠ્યો હોય તો ! જુઓ, હું કહું છું કે આજ ને આજ જાઓ ને ગાડું ભરીને ઘઉં નાખી આવો. વળી તો આપણે તો આ ભગરી ભેંશ દૂઝે છે, માટે આ ટીલડી ગાય પણ લેતા જજો. સમજ્યા ?

કણબી તો વિચારમાં પડી ગયો ને માથું ખંજવાળવા મંડ્યો. ત્યાં તો માથામાંથી એક વાત જડી, ને સડપ કરતો તે ઊભો થયો ને રાંધણિયામાં ગયો. રસોડામાં જઈને કહે - એમાં શું ? તું ભાતું કર. કાલ મળસ્કે જઈશ. સાથે આપણો ગગો પણ આવશે. પાસે ગગો ઊભો હતો. એ તો રાજીના રેડ થઈ ગયો. એ તો કૂદવા માંડ્યો ને દોડવા માંડ્યો - હેઈ, કાલે આપાને ઘેર જવાનું !

કણબીએ ભળકડે ગાડું જોડ્યું. કણબણે ઊઠીને ગાડામાં ઠાંસી ઠાંસીને ઘઉં ભર્યા, મહીં પચાસ રૂપિયાની કોથળી પણ સંતાડી. એના મનમાં એમ થયું કે ઘઉં ભેળી કોથળી પણ બાપાને પહોંચશે. ઘઉં ભરીને ગાડે એક ગાય પણ બાંધી દીધી. ગાયને ગળે સારું મજાનું એક ફૂમકું બાંધ્યુ ને ગાડાને અને કણબી ને રવાના કર્યાં.

ગાડું ચાલ્યું જાય છે ત્યાં બે મારગ ફંટાયા. એક મારગ હતો કણબીના સસરાના ગામનો ને બીજો એની બહેનના ગામનો. કણબીએ હળવેક દઈ રાશ ખેંચીને ગાડું બહેનના ગામને મારગે વાળ્યું.

ગાડામાંથી ગગો બોલ્યો - આતા ! આ મારગ તો ફુઈના ગામનો. ઓલ્યો મામાના ગામનો મારગ. કણબી કહે - બેસ, હવે ડાયો થા મા, ડાયો ! તને મારગની બહુ ખબર પડે તે ! કાલ સવારનું છોકરું ! ગગો મૂંગો થઈ બેસી રહ્યો ને ગાડું ચાલવા માડ્યું.

સાંજ પડી. ગાડું બહેનને ગામ આવ્યું. ત્યાંયે દુકાળ પડેલો. નદી સુકાઈ ગયેલી. મોલ બળી ગયેલા. અન્નપાણીના સાંસા. બહેન તો ભાઈ ને જોઇને રાજીના રેડ થઈ ગઈ. એક તો ઘરે ભાઈ આવ્યો ને સાથે વળી ગાડું ભરીને ઘઉં લાવ્યો. ઉપરિયાણમાં એક દૂઝણી ગાય પણ લાવ્યો !

બહેને ઝટપટ લાપશી કરી ને મગ કર્યાં. ભાઈ ભત્રીજાને ખૂબ ખૂબ હાથ ઠારીને જમાડ્યા ને કેટલીયે પરોણાચાકરી કરી. બાપદીકરો તો બહેનને ત્યાં સારી પેઠે બે ચાર દિવસ રહ્યા ને પછી ગાડું જોડી ઘેર પાછા આવ્યા.

કણબી ઘેર આવ્યો એટલે કણબણ કહે - કાં ઘઉં આપી આવ્યા ? કાં ગાય મારાં માબાપને કેવીક ગમી ? કાં, બધાં સાજાંતાજાં છે ને ?

કણબી કહે – મારે તો ખેતર જવું છે. આ ગગલાને પૂછ. કણબણ કહે - હેં ગગા ! મામા તો સારા છે ને ? ગગો કહે - બા, ત્યાં કોઈ મામા નો'તા. કણબણ કહે - મામા કદાચ ગામ ગયા હશે. મામી તો સારી હતી ને ?

ગગો કહે - પણ બા ! ત્યાં મામીબામી કોઈ નો'તું. ત્યાં તો ફુઈ હતાં, ભાણિયા હતા, ફુવા હતા ને ઈ બધાં હતાં. કણબણ વાત પામી ગઈ. મનમાં કહે......હં.....આ તો બહેનને ત્યાં બધું નાખી આવ્યા લાગે છે ! કણબણે વિચાર કર્યો કે હવે કણબીની પૂરી ફજેતી કરવી.

પછી કણબણ તો માથે ઓઢીને કૂટવા માંડ્યું. કણબણ રોતી જાય અને કૂટતી જાય......

ગોરી ગાયને ગળે ફૂમકું;
ગાડું ઘઉં ને મહી બૂમકું;
લે રે હૈયાભફ;
લે રે હૈયાભફ !
માણસો બધા ભેગા મળ્યા. બધા પૂછવા માંડ્યા –પટલાણી શું છે તે રુઓ છો ? કણબણ કહે - ઈ તો ઘેરથી એની બહેનને ત્યાં ગોરી ગાય ને ગાડું ઘઉં દેવા ગયેલા, પણ દુકાળમાં બહેન ને ભાણેજાં મરી ખૂટેલાં તે પાછા આવ્યા. એટલે આજે એની કાણ માંડી છે.

કણબીનું ઘર સારું એટલે ગામ આખું કૂટવા ને રોવા ભેગું થયું. કણબીને ખેતરે ખબર થઈ કે ઘરે તો કાણ માંડી છે એટલે એ પણ હાંફળો હાફળો ઘેર આવ્યો. ત્યાં તો સૌ કૂટતા હતાં..........

ગોરી ગાયને ગળે ફૂમકું;
ગાડું ઘઉં ને મહી બૂમકું;
લે રે હૈયાભફ;
લે રે હૈયાભફ!
કણબીની પાસે સૌ એની બહેન-ભાણેજનો ખરખરો કરવા લાગ્યા. કણબી વાત સમજી ગયો કે આ તો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં ! પછી બીજે દિવસ કણબી ગાડું ભરીને ઘઉં અને બીજી ગાય લઈ સાસરે જઈને આપી આવ્યો. 
                                 ભણેલો ભટ્ટ

એક હતા ભટજી. કાશીએથી નવાસવા ભણી-ગણીને આવેલા.

ચાર વેદ અને છ શાસ્ત્ર ભણેલા ભટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા.

ગામના માણસો તદ્દન કોરા-ધાકોર. કોઈ ગતાગમ નહિ. ખેડ કામ સિવાય કોઈ બાબતની જાણકારી નહિ. છતાં પણ પોતે બહુ જાણે છે એવું બતાવવું બધાંને બહુ ગમે.

ભટજી આવ્યા એટલે બધાં લોકો કહે - ભટજી કથા તો ભલે વાંચે, પણ આપણે પારખાં તો લેવાં જોઈએ ને, કે ભટજી કેવુંક જાણે છે ?

સૌએ ભેગા થઈ ભટજીને પૂછ્યું - ભટજી ! અમારા સવાલનો જવાબ આપો તો કથા વાંચો, ને ન આપો તો પુસ્તક અને પોથીનાં પાનાં મૂકીને અહીંથી ચાલ્યા જાઓ.

ભટ કહે - પૂછો ત્યારે.

એક માણસે પૂછ્યું - ભટજી ! ‘તુંબહ તુંબા’ એટલે શું ? ભટજી તો ભારે વિચારમાં પડી ગયા.

પોથીપાનાં જોઈ વળ્યા પણ ક્યાંય ‘તુંબહ તુંબા’ જડે નહિ. ભટજી તો ભારે મૂંઝાયા ને માથું ખંજવાળવા માંડ્યા.

ગામડિયો કહે - ભટજી ! ઈ તમારાથી અમારા સવાલનો ઉત્તર નહિ અપાય. તમારા જેવા તો ઘણાંએ આવી ગયાં, પણ કોઈએ ઉત્તર આપ્યો નથી. લ્યો, હવે પુસ્તકપાનાં અને પોથીઓ અમને સોંપી દો. ભટજીનું મોં તો લોટની કોથળી જેવું થઈ ગયું. બિચારા વીલે મોઢે ઘેર પાછા આવ્યા.

એને એક ભાઈ હતો. ઝાઝું ભણેલોગણેલો નહિ, પણ કોઠાવિદ્યાવાળો ખરો. એને બધી વાતની ખબર પડી એટલે કહે - ભાઈ ! એવા અજડ ગામમાં તમારું કામ નહિ, ત્યાં તો અમારા જેવા જોઈએ; એનું માથું ભાંગે એવા.

આ બીજો ભાઈ તો ચાલ્યો એ જ ગામડામાં. જઈને મલ્લની જેમ કછોટો માર્યો ને માથે ટકોમૂંડો કરાવ્યો. મૂંડા ઉપર ચંદનનું ગોળ ચકરડું કર્યું અને વચમાં એક ટપકું કર્યું. ગામના માણસો તો આ ભટજીને દેખીને રાજી રાજી થઈ ગયા ને એક બીજાને કહે - વાહ, આ ભટજી તો લાગે છે ય ખરા ભટજી જેવા. આવા હોય તો કાંઈક બે અક્ષર શાસ્તરના જાણવા તો મળે !

પણ તો ય બધાં કહે - પારખાં તો લેવાં જ જોશે. એમ ને એમ કાંઈ કથા વાંચવા નહિ બેસાડાય. એક જણ કહે - ભટજી ! પધારો. એક ભટજી પુસ્તકપાનાં મૂકીને ગયા છે ને બીજા વળી તમે આવ્યા છો. તમારીય તે હમણાં ખબર પડશે.

ભટજી કહે - એ ભટ નોખા ને આ ભટ નોખા. અમે તો કહેવાઈએ ભાગડ. આ માથે કેવું ટીલું કર્યું છે અને આ કેવો કછોટો માર્યો છે તે તો જુઓ !

ગામનો પટેલ કહે - ત્યારે જવાબ આપો જોઈએ. ‘તુંબહ તુંબા’ એટલે શું ?

આ ભટજીને તો બરાબર ખબર હતી કે ગામના લોકોને ખેડ કામ સિવાય કોઈ વાતની ગતાગમ નથી. ભટ કહે - ભાઈ ભૂલ્યા. પૂરો સવાલેય ક્યાં પૂછતાં આવડે છે ? તો સાંભળો પહેલાં તો હોય

ખેડમ્ ખેડા
પછી વાવમ્ વાવા
પછી ઉગે વેલમ્ વેલા
પછી આવે ફૂલમ્ ફૂલા
ને પછી થાય તુંબહ તુંબા.
બધા કહે - એલા, આ ભટજી સાચા; કેટલું ગનાન છે ! જોયું બરાબર કળી ગયા. ઓલ્યા આગળ આવ્યા'તા ઈ ભટને તો બોરના ડીંટિયા જેટલુંય નો આવડે, ને મોટે ઉપાડે કથા વાંચવા આવ્યા હતા !

ભટજીને આખા ગામે વખાણ્યા. બધા કહે - ભટ ભારે, ભટ ભારે, ભટ ભારે ! ભટ તો છે કાંઈ જાણકાર ! બધી વાતની એને સમજ પડે !

ભટને તો ગામ આખાયે જમાડ્યા. પોથી-પુસ્તક પાછાં આપ્યાં ને સારી એવી શીખ આપીને વિદાય કર્યા. 
બાપા-કાગડો !

એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો.

છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ ન જાય. હંમેશાં ઘેલિયાભાઈ કહે તેમ કરે.

એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી બાપનો ખોળો ખૂંદવા લાગ્યો ને જે તે પૂછવા લાગ્યો. એટલામાં, દુકાનની સામે એક ઝાડ હતું. તેના પર એક કાગડો આવીને બેઠો ને ‘કો-કો’ કરવા લાગ્યો. ઘેલિયાએ કાગડાને જોયો, એટલે તેની તરફ આંગળી કરીને બાપને કહ્યું : ‘બાપા-કાગડો !’ બાપા કહે : ‘હા, ભાઈ ! કાગડો.’

ફરી વાર છોકરે બાપનો હાથ પકડી કહ્યું : ‘બાપા-કાગડો !’ બાપાએ એટલી જ ધીરજથી કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો’. જવાબ આપીને બાપ દુકાનના કામમાં જરા રોકાયો, એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવી કહ્યું : ‘જુઓ તો બાપા-કાગડો !’

બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું : ‘હા, બેટા ! કાગડો.’

છોકરાને આટલાથી સંતોષ થયો નહિ. બાપ પાછો પોતાના કામમાં રોકાયો, ત્યાં તેની પાઘડી ખેંચી વળી બોલ્યો : ‘બાપા-કાગડો !’

બાપે જરા પણ ચિડાયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો – હં.’ છોકરો તો વેને ચડ્યો ને વળી બોલ્યો : ‘જુઓ તો ખરા ! બાપા-કાગડો !’

બાપે ચોપડો લખતાં લખતાં છોકરા સામે જોઈને વળી કહ્યું : ‘હા હોં, બેટા ! કાગડો. એ કાગડો છે હં.’

થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો, અને વળી ઘૂરી આવી હોય તેમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો : ‘બાપા-કાગડો !’

બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો.’ આ રીતે છોકરો તો વારેવારે બાપને ‘બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો !’ એમ ચીંધતો ગયો, ને બાપ ‘હા, ભાઈ, કાગડો’ ‘હા, ભાઈ, કાગડો !’ એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને ‘બાપા-કાગડો’ બોલતો બંધ પડ્યો.

બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ ‘બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો’ બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોપડામાં ‘બાપા-કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર ‘બાપા-કાગડો’ ‘હા, ભાઈ ! કાગડો’ લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે, એમ ધારી ડાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂનાં દફતરોમાં મુકાવ્યો.

આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો; ને પેલો ઘેલિયો ત્રીશ વર્ષનો જુવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો. ‘ઘેલિયો’ સઘળે ‘ઘેલાશા’ ‘ઘેલાશા’ થઈ પડ્યો હતો ને તેનું બધેય બહુ માન હતું. પરંતુ ઘરડો વાણિયો દુ:ખી હતો.

ઘેલાશા તેને બહુ દુ:ખ આપતો હતો. બાપ બહુ કંટાળ્યો, એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો એ તેને યાદ આપવાનો તેણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલાશાની ગાદીએ ચડીને બેઠો. બાપને જોઈને દીકરો ચિડાયો ને મનમાં બબડ્યો : ‘આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો ? નકામો ટકટકાટ કરશે અને મારો જીવ ખાશે !’

થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’

ઘેલાશા તો ડોસાના પ્રશ્નથી જ વિચારમાં પડ્યા અને ચિડાઈને બોલ્યા : ‘હા, બાપા ! કાગડો.’

ડોસાએ વળી કહ્યું : ‘ભાઈ-કાગડો’

ઘેલાશાએ જરા વધારે ચિડાઈને અને કાંઈક તિરસ્કારથી જવાબ વાળ્યો : ‘હા, બાપા ! કાગડો.’

ડોસાએ જાણ્યું કે દીકરો ચિડાય છે. પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો, તેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરી બોલ્યો : ‘ભાઈ-કાગડો !’

ભાઈ તો હવે ભભૂકી ઊઠયા : ‘હા, બાપા ! કાગડો. હા, એ કાગડો છે. એમાં વારે વારે ‘ભાઈ-કાગડો !’ ‘ભાઈ-કાગડો !’ એમ શું બોલ્યા કરો છો ? મને મારું કામ કરવા દો ને !’ કહીને ઘેલાશા આડું મોં કરીને પોતાને કામે લાગ્યા.

ઘરડો વાણિયો કંઈ કાચો ન હતો. તેણે ઘેલાશાનો હાથ પકડી, કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’ હવે ઘેલાશાનો મિજાજ ગયો. તેણે વિચાર્યું : ‘આ ડોસો જો ને નકામો ‘ભાઈ-કાગડો’ લવ્યા કરે છે ! નથી કાંઈ કામ કે કાજ. નવરો પડ્યો એટલે નકામો લવારો !’

તેણે ડોસા સામે જોઈ કહ્યું : ‘બાપા ! ઘેર જાઓ. અહીં તમારું શું કામ છે ? દુકાને કામકાજમાં નાહક શા માટે ડબડબ કરો છો ?’ શાંતિથી જરા હસી, કાગડા સામી આંગળી કરી, ડોસો બોલ્યો : ‘પણ, ભાઈ-કાગડો !’

‘હા, બાપા ! કાગડો-કાગડો-કાગડો ! હવે તે કેટલી વાર કાગડો ? કાગડામાં તે શું છે તે ‘કાગડો’ ‘કાગડો’ કરો છો ?’ ડોસો ફરી વાર આંગળી કરી ‘ભાઈ-કાગડો !’ એમ બોલે તે પહેલાં ઘેલાશાએ વાણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડાને ઉડાડી મુકાવ્યો. પછી લખતો લખતો, પોતાના મનમાં બળતો મોટેથી બબડ્યો : ‘ખરેખર, સાઠે બુદ્ધિ નાઠી તે બરાબર સાચું છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે.’

ડોસાની આંખે આંસુ આવ્યાં. તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં ‘બાપા-કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ લખેલું પાનું મૂકયું. ઘેલાશાને તેના બાળપણની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી.

ઘેલાશા તરત બધું સમજી ગયો : દીકરાએ બાપાની માફી માગી અને તે દિવસથી બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો. 


અપશુકનિયાળ મોંઢું
[અકબર અને બિરબલ]

                 શેઠ હુકમચંદ જમવા બેસતા હતા.સોનાની થાળી અને સોનાના વાટકા,સોનાના પ્યાલા અને સોનાની ચમચીઓકારણકે હુકમચંદ શેઠ તો અકબરના રાજ્યના મુખ્ય માણસ હતા.જાતજાતની વાનગીઓ પીરસાઈ હતી ધનકુંવર શેઠાણી હાથમાં વીંઝણો(પંખો) પકડી શેઠની સેવામાં હાજર હતા.દાસ-દાસીઓ પીરસવા તૈયાર ઉભા હતા ત્યાં રાજાના સૈનિકો આવી પહોંચ્યા અને બોલ્યા-શેઠ,ચાલો રાજા હમણાંને હમણાં તમને બોલાવે છે અને કહ્યું છે કે જો આવવામાં આનાકાની કરે તો બેડીઓ પહેરાવી જેલમાં ઘાલી દેજો.માટે શેઠ, તમે તરત આગળ ચાલવા માંડો.
હુકમચંદશેઠને ગુસ્સો તો ઘણો જ આવ્યો પણ શું કરે???આ તો શાહી ફરમાન હતું એટલે જવું જ પડે ને???
શેઠ તો ચાલ્યા. રાજ દરબારમાં રાજા સિંહાસન પર બેઠેલા હતા અને ગુસાથી દ્રુજતા હતા, આંખો લાલચૉળ હતી. હુકમચંદશેઠ ને જોઇને બોલ્યા. આ માણસને હાલને હાલ ફાંસી આપો. હુકમચંદ તો નવાઈ પામી ગયા કે મારો કયો ગુનો થયો છે???પણ રાજા આગળ કશું જ બોલી શકાય થોડું??? સેવકો તેમને ફાંસીના માંચડા પાસે લઈ ગયા. કેટલાક શાણા માણસો હતા તેમને થયું કે આ તો બહુ જ ખોટું થઈ રહ્યું છે. પણ રાજાને સમજાવે કોણ???
બધએ કહ્યું બિરબલને મળો .તે ખૂબ ચતુર છે અને રાજાને માત્ર તે જ સમજાવી શકશે. બે-ચર જણ દોડ્યા બિરબલ પાસે અને બધી વાત કરી.
બિરબલ બોલ્યા-કશો વાંધો નહીં .તમે તમારે જઓ અને હું બાદશાહને સમજાવું  છું
બિરબલ રાજા પાસે ગયા અને બોલ્યાનામદાર, આ બિચારા હુકમચંદનો એવો તો શો ગુનો છે કે તમે તેમને ફાંસીના માંચડે લટકાવવાનું કહો છૉ???”
અકબર બોલ્યા-બિરબલ તું વચમાં બોલીશ જ નહીં. આ અપશુકનિયાળ માણસ મારા રાજ્યમાં જોઈએ જ નહીં. આજે સવારે સૌથી પહેલું મોઢું મેં તેનું જોયું અને બધું ખરાબ જ બન્યું છે.
સવારમાં જ હું કઢેલું દૂધ પીવા જતો હતો તો તે મારા કિંમતી પોશાક પર ઢોળાયું. પછી તૈયાર થઈ દરબારમાં જતો હતો ત્યાં સમાચાર આવ્યા કે બેગમના ભાઈ ગુજરી ગયા છે એટલે ત્યાં જવું પડ્યું. આવીને જમવા બેઠો તો ભોજનમાં ઉપરથી ગરોળી પડી, હજી આ પૂરું થયું ન હતું ત્યાં સમાચાર આવ્યા કે પાડૉશી રાજ્યાના રાજા યુધ્ધ કરવા આવ્યા છે એટલે ત્યાં દોડવું પડ્યું….”
મારે આ માણસનું અપશુકનિયાળ મોંઢું મારા રાજ્યમાં જ ના જોઇએ.
બિરબલ હુકમચંદશેઠ પાસે ગયો અને તેમને કાનમાં કાંઇક કહ્યું. પછી રાજા પાસે આવીને બોલ્ય,’જહાંપનાહ, ભલે તમારી જેવી મરજી. રાજા હુકમ આપે પછી કોઇથી કશું બોયાય ખરું???  પણ મારી એક નમ્ર વિનંતી છે કે ફાંસી આપવાની હોય ત્યારે માણસ્ને તેની અંતિમ ઈચ્છા તો પૂછવી જ જોઈએ.
અકબર બોલ્યા,” બોલ શેઠ, તારે શું કહેવું છે??”
હુકમીચંદ બોલ્યા,’નામદાર, હું શું કહું??? તમે મારું અપશુકનિયાળ મોઢું જોયું તો ઘણી જ ખરાબ ઘટનાઓ બની. તે બદલ હું દિલગીર છું . પણ મને વિચાર આવે છે કે મેં તો તમારૂં જ મોંઢું જોયું હતું અને મને ફાંસી મળી. હવે આપ જ કહો વધારે કે અપશુકનિયાળ મોંઢું કોનું????”
રાજ તો વિચારમાં પડી ગયા. પ્છી હસતા હસતા બોલ્યા,”છોડી દો ષેઠને અને માન સાથે તેમને દરબારમાં લઈ આવો.
બધા જ બિરબલની ચતુરાઈથી ખુશ થઈ ગયા અને રાજા પણ બોલી ઉઠ્યા,”બિરબલ, તું નાહોત તો આ ગુણવાન શેઠને ગુમાવત. તેં મારઇ અને રાજ દરબારની લાજ રાખી. તારો ખૂબ ખૂબ આભાર.

No comments:

Post a Comment